સુરતના નાના ઝવેરીઓને મોટો લાભ મળશે
સુરત, તા. ૨૦
જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના (જીજેઈપીસી) પ્રયત્નના પરિણામે શહેરના નાના જવેલર્સ માટે નિકાસ કરાયેલું સોનું ખરીદવાની સુવિધા ડીઆઈએલ (ડાયમંડ ઈન્ડિયા લિમીટેડ) દ્વારા શહેરમાં જ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નાના જવેલર્સ જરૂરિયાત અનુસાર ૧૦૦ ગ્રામ સોનું પણ ડીઆઈએલ પાસે ખરીદી શકશે.
અત્યાર સુધી શહેરના જવેલર્સને મુંબઈ અથવા તો શહેરના બુલિયનર્સ પાસેથી સોનું ખરીદવું પડતું હતું. બુલિયનર્સની શરત અનુસાર ૧ કિલોથી ઓછું સોનું ખરીદી શકાતું નહીં. જેના લીધે નાના જવેલર્સ મુશ્કેલી અનુભવતા, સોનાની ખરીદી જ મોટું રોકાણ માંગી લેતું હોય ઉત્પાદન પ્રક્રિયાને અસર પડતી હતી. અનેક વાર નાના જવેલર્સ ભેગા થઈને સોનું ખરીદવા મજબૂર બનતા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે છેલ્લાં ઘણાં સમયથી જીજેઈપીસીની રિજનલ કમિટી દ્વારા ડીઆઈએલને સુરતમાં જ સોનાના વેચાણની પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી રહી હતી. જેના ભાગરૂપે જીજેઈપીસીની રિજીયોનલ કચેરી ખાતે ચેરમેન દિનેશ નવાડિયા સહિત ડીઆઈેલને મેનેજર સૂર્યનારાયણ સિંગ, સુરત જવેલર્સ મેન્યુફેકચરીંગ એસોસિએશનના પ્રમુખ જયંતી સાવલિયા સહિતના આગેવાનો વચ્ચે એક મિટીંગ યોજાઈ હતી.
ડીઆઈએલના મેનેજર સૂર્યનારાયણ સિંઘે ગોલ્ડ માટે સમય મર્યાદા, વહીવટી પ્રક્રિયા, દસ્તાવેજી પ્રક્રિયા તેમજ કમર્શિયલ પ્રપોઝલ અને ડિપોઝીટ સહિતની માહિતી આપી હતી. જેમાં ડીઆઈએલની સુરત શાખા મારફતે હવે શહેરના જવેલર્સ સરળતાથી ૧૦૦ ગ્રામ સોનું પણ મેળવી શકશે. તે વ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



