સુરતના દરિયા કિનારે વસેલા દામકા ગામ આસપાસનું ભૂગર્ભજળ સ્તર તળાવની ફળશ્રુતિ રૂપે મીઠું થઈ રહ્નાં છે
સુરત
રાજય સરકારના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ યોજના હેઠળ ઊંડા કરવામાં આવેલા તળાવો અને ચેકડેમો આજે પાણીથી છલોછલો ભરાઈ ચૂકયા છે. જેના મીઠા ફળો આજે મળી રહ્યા છે. સરકારના દૂરંદેશીભર્યા પગલાઓના પરિણામે આજે ચોમાસાની સિઝન બાદ તળાવોમાં નવા નીરનું આગમન થતા ખેડૂતોના હૈયા ખુશીથી હરખાઈ રહ્યા છે. ગ્રામજનો અને ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે ઊંડા કરવામાં આવેલા તળાવો ચોમાસાના નીરથી છલકાઈ જતાં તેઓને સિંચાઈ અને પીવા માટે બારેમાસ પાણીની ચિંતામાંથી મુક્તિ મળી છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું દામકા ગામ દરિયાકિનારે વસેલું છે. આ ગામમાં જળ અભિયાન હેઠળ તળાવને ૧૫ ફૂટ જેટલું ઊંડું કરવામાં આવ્યું હતું. સારૂ ચોમાસુ જતા છલોછલ ભરાયેલા તળાવને જોઇને ગ્રામજનોની આંખો ઠરી રહી છે. દામકા ગામના ગ્રામજનો દ્વારા આગામી ઉનાળામાં આ તળાવને વધુ ઊંડું કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
દામકાના યુવા અને જાગૃત્ત સરપંચશ્રી તુલસીભાઈ નટવરભાઈ પટેલે જણાવ્યું હતું કે , અમારા ગામની પાણીની તંગી જળઅભિયાન દ્વારા દૂર થઈ છે. અમારૂ ગામ દરીયાકાંઠે આવેલું હોવાથી જમીનો ખારાશવાળી છે. તળાવમાં ભરાયેલા પાણીથી ભૂગર્ભનું જળસ્તર ઊંચું આવ્યું છે. જેના કારણે આસપાસની ખેતીની જમીનને સીધો ફાયદો થયો છે. ૧૫ ફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતા વધતાં ખેતી માટે છેક ઉનાળા સુધી પાણી મળતું રહેશે. તળાવ ઊંડું કરવાના ફાયદાઓ સુપેરે સમજાતાં અમે સર્વાનુમતે આ તળાવને વધુ ઊંડું કરવાનો નિર્ણય કર્યો હોવાનું તેઓ કહે છે. આ તળાવનું ભૌગોલિક સ્થાન ગામને ભવિષ્યમાં લાભકારક હોવાનું જણાવતા શ્રી તુલસીભાઈ ઉમેરે છે કે, તળાવ ઉંચાણમાં હોવાથી સંગ્રહ થયેલા પાણીને કેનાલ વાટે આસપાસના ૬૫૦ જેટલા ખેડૂતોને સિંચાઈ અર્થે આપવામાં આવે છે. પરંપરાગત ડાંગરનો પાક લેતા ખેડૂતો તળાવના પાણીથી ઘઉં, જુવાર, શાકભાજી જેવા વધારાનો પાક લઇ શકશે. આવનારા સમયમાં ગામની પીવાના અને સિંચાઈના પાણીની કોઈ સમસ્યા નહિ રહે. જળઅભિયાન દ્વારા સરકારનું તળાવો ઉંડા કરવાનું કાર્ય સરાહનાને પાત્ર છે એમ તેઓ ખુશાલીભર્યા સ્વરે જણાવે છે. દામકાના રહીશ ૬૦ વર્ષીય ખેડૂત હસમુખભાઈ પટેલ ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ની પ્રશંસા કરતાં કહે છે કે, ‘અમારૂ ગામ સુરત જિલ્લાનું દરિયા કાંઠે આવેલું છેવાડાનું ગામ છે. ગત વર્ષના ઓછા વરસાદને કારણે પાણીની ખેંચ વર્તાય હતી. ઉનાળો બેસતાં પહેલા જ આ તળાવ સૂકાઇ જાય છે. પણ હવે ગામનું તળાવ ઊંડું થતાં અમને ખૂબ ફાયદો થયો છે. અમારા ગામના તળાવને ૧૫ ફુટ ઉડુ કરવામાં આવ્યું હતું, જે આજે છલોછલ ભરાઈ ગયું છે. જેના કારણે આસપાસની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ૧૦૦ વિઘા જમીનને સીધો ફાયદો થયો છે. જળસંગ્રહ ક્ષમતા વધતાં ખેતી માટે છેક ઉનાળા સુધી પાણી મળતું રહેશે તેમ હસમુખભાઈએ હરખભેર જણાવ્યું હતું.
ખરેખર, જળ અભિયાન રાજ્યના નાગરિકોને જાગૃત્તિ અને સહયોગના પરિણામે જનઅભિયાન બન્યું, જેથી રાજ્ય આજે જળસમૃદ્ધ બન્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



