પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળામાં તાલીમ મેળવતા સુરતના ખેડૂતો

0
7

એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં નફાકારક પ્રાકૃતિક ખેતી થઈ શકે છે : પદ્મશ્રી સુભાષ પાલેકર
સુરત

રાજ્યના ખેડુતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતામાં ઘટાડો અને ખેતી ખર્ચમાં વધારા સામે જાગૃત્ત કરવા તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવાના આશયથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખેડા જિલ્લાના વડતાલથી ૬ દિવસીય ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલિમ કાર્યશાળા’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે કામરેજના દાદા ભગવાન મંદિરના સભાગૃહ ખાતે સુરત જિલ્લાના ૨૫૦ ખેડૂતોએ ભાગ લઇ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ મેળવી હતી.
રાજ્યવ્યાપી પ્રાકૃત્તિક ખેતીની કાર્યશાળામાં પદ્મશ્રી સુભાષ પાલેકરે રાજ્યભરના ૭૦૦ ગામના ખેડુતોને ઓનલાઈન સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ખેડુતો વધુ ઉત્પાદન મેળવવાની લાલચે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટવાના કારણે ખેતીલાયક જમીન નષ્ટ થઈ રહી છે. ઉપરાંત, ખેડૂતોના મિત્ર એવા અળસિયા નાશપ્રાયઃ થઇ રહ્યા છે. તેમણે પ્રાકુતિક ખેતીનું મહત્વ સમજાવતા કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં જમીન માટે જરૂરી પોષક તત્વો-સંસાધનોની સામગ્રી જાતે જ બનાવી શકાય છે. આ પ્રકારના જીવામૃત્તનો ખેતીમાં ઉપયોગ કરવાથી જીવ, જમીન અને પર્યાવરણના જતનની સાથે જળ અને જમીન ક્ષેત્રે બદલાવ માનવસમાજ માટે આશિર્વાદરૂપ બનશે. જમીનના પોષકતત્વોમાં વધારો થવાના કારણે ખેતીમાં પોષણક્ષમ ઉત્પાદન થવાની સાથે ફળદ્રુપતામાં વધારો થશે.
ગાય એ પ્રાકૃત્તિક ખેતીના મૂળમાં હોવાનું જણાવતાં તેમણે એક દેસી ગાયથી ૩૦ એકર જમીનમાં નફાકારક પ્રાકૃતિક ખેતી થઈ શકે છે એમ જણાવી ગાયની ઉપયોગિતા અંગે વિષદ છણાવટ કરી હતી. પ્રાકૃતિક ખેતી શા માટે જરૂરી છે? આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીથી આજે જમીનની સાથોસાથ પાણી, પર્યાવરણ અને પાક દુષિત થયા છે. ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. લોકોની રોગપ્રતિકારક શક્તિમાં સતત ઘટાડો થઈ રહ્યોં છે. પરિણામે મનુષ્ય, પ્રાણીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળી રહી છે. પ્રાકૃતિક ખેતી જ એક વિકલ્પ છે એમ જણાવી તેમણે જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ઓછી ખર્ચાળ કરવા, તંદુરસ્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડુતોને સારી અને સરળ ખેતી પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
કાર્યશાળામાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી જોઈએ, અને તેના લાભો અંગે ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY