ઉના,તા.૨૦
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અસહ્ય બફારો અને વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉનાના ખાપટ ગામે એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ ગીરસોમનાથ વિસ્તારમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસી રહ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગીર ગઢડામાં ૧.૫ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ સાથે જ ખાંભાનાં સરસીયા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.
અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાદરવા મહિનાની ગરમી સહન કરી રહેલા લોકોને વરસાદથી ભારે રાહત મળી છે. તેમજ લીલીયા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યાના સમાચાર મળી રહ્યા છે.
લાંબા સમયના વિરામ બાદ આજે બાબરા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. લાંબી વરાપ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.
ખાંભામાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સતત ત્રીજા દિવસે વરસાદનો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોના હાથમાં આવેલ પાક નિષ્ફળ જાવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો મગફળી ,કપાસ, બાજરી, જુવાર, તલ, સહિતના પાકને નુકસાન થાય તેવી ભીતી સેવી રહ્યાં છે. સતત વરસાદના કારણે તલ કાળા પડવા લાગ્યા છે.
આ તરફ ગીર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. પ્રાસલી, ગાંગેથા, પ્રાચી, લોઢવા, પાંસનાવડા, ધામલેજ, સિંગસર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. તો કોડીનારના ઘાટવડ, નગડલા, જામવળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦ મિનિટ સુધી ધોધમાર વરસાદ પડયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



