ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં વરસાદ : મોરબીમાં બે બાળકોના ડૂબી જવાથી મોત

0
38

ઉના/ખાંભા,તા.૨૧
સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા ૨-૩ દિવસ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી દીધી છે. રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ મોરબીનાં બરવાળામાં ન્હાવા પડેલા ૨ બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.
આજે વહેલી સવારથી જ ઊનાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ઉમેજ, કાંધી અને ભાચા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ કોડીનારનાં ઘાટવડ, નગડલા અને જામવાળા સહિતના ગીરના ગામોમાં વરસાદ પડયો હતો. બીજી તરફ સુત્રાપાડાના પ્રાચી, ગાંગેથા, પ્રાસલી, ટીમડી સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો.
ખાંભા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાંભાના ખાડધાર, બોરાળા, ચક્રવા, ધૂધવાના, ડેડાણ, ત્રાકુંડા, જામડા અને બારમણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો છે.
ગીર પંથકમાં પડી રહેલા વરસાદના પગલે ઉમેજમાં એક મકાન ધરાશાયી થયું છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કાચા મકાનો હોવાના કારણે ચોમાસામાં વરસાદ પડવાનો સિલસિલો યથાવત રહે છે. આ ચોમાસામાં ગામડાઓમાં ૧૨થી વધુ કાચા મકાન ધરાશાયી થયા છે. જેથી કાચા મકાનોનો સર્વે કરવા માટે લોકો માંગ કરી રહ્યાં છે.
બીજી તરફ મોરબીનાં બરવાળામાં તળાવમાં ન્હાવા પડેલા ૨ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. જેને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY