યુનેસ્કો,તા.૨
અમેરિકા અને ઈઝરાયલ નવા વર્ષે સત્તાવાર રીતે યુનેસ્કોથી અલગ થઈ ગયા છે. યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રનું શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક બાબતોને લગતું સંગઠન છે. દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિક શાંતિ અમેરિકાના સહયોગથી સ્થપાયેલા યુનેસ્કોથી અમેરિકા અને ઈઝરાયલનું અલગ થવું એક મોટો આંચકો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓક્ટોબર-૨૦૧૭માં જ યુનેસ્કો પર ઈઝરાયલ સાથે પક્ષપાતનો આરોપ લગાવતા તેમાથી બહાર નીકળી જવાની નોટિસ આપી હતી. તેમણે યુનેસ્કો પર વધી રહેલા આર્થિક બોજ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી અને યુનેસ્કોમાં મૂળભૂત પરિવર્તન કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.
અમેરિકાના પગલે ચાલતા ઈઝરાયલે પણ યુનેસ્કોમાંથી બહાર નીકળવાનું એલાન કર્યું હતું. યુનેસ્કોએ ૨૦૧૧માં પેલેસ્ટાઈનને પોતાની કાયમી સદસ્યતા આપી હતી. તેની સાથે જ યહુદીઓના વારસા પર પેલેસ્ટાઈનના અધિકારની પણ પુષ્ટિ કરી હતી. અમેરિકા અને ઈઝરાયલ આના કારણે યુનેસ્કોથી ખફા હતા. બંને દેશોના યુનેસ્કોથી અલગ થવાના પગલાથી હાલ તેના પર કોઈ આર્થિક અસર થવાની નથી. કારણ કે બંને દેશોએ ૨૦૧૧થી તેના ફંડિંગ પર રોક લગાવી હતી.
અમેરિકા ૧૯૮૪માં પણ યુનેસ્કોમાંથી હટયું હતું. ૨૦૦૨માં ફરીથી અમેરિકાએ યુનેસ્કોની સદસ્યતા ગ્રહણ કરી હતી. તાજેતરમાં અમેરિકાએ યુનેસ્કોમાં પર્યવેક્ષક દેશની ભૂમિકા નિભાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકા દુનિયાના ઐતિહાસિક વારસા અને પ્રેસની આઝાદી જેવા બિનરાજકીય મામલાઓમાં યોગદાન આપવા ઈચ્છે છે. આના સંદર્ભે એપ્રિલમાં યોજનારી યુનેસ્કોની બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


