વડોદરા,તા.૬
ઘરમાં રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યું છે. રૂપિયા ૧૦૦ના દરની બનાવટી નોટો બનાવી માતા-પુત્ર શહેરમાં ભરાતા મેળામાં વટાવતા હતા.
વડોદરા શહેર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના પાણીગેટ રોડ, હરીશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ન્યુ હેવન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે મકાન નંબર-બી, ૩૧૩માં કલર પ્રિન્ટરની મદદથી રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો બનાવી બજારમાં ઘૂસાડતા સાયરાબાનુ સલીમભાઇ મેમણ અને તેના પુત્ર મોહંમદ ઓઝેફ મેમણને એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા છે. તેઓના ઘરમાંથી રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ૪ ચલણી નોટ, કલર પ્રિન્ટર અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૧૮,૧૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એચ.એમ. ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, માતા-પુત્ર છેલ્લા એક માસથી રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો બનાવતા હતા. અને તક મળે ત્યાં મોડી રાત્રે જઇ વટાવતા હતા. તાંદલજામાં ઇદ મેળો શરૂ થયો છે. મોડી રાત્રે એક વ્યકિતને રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટ સાથે પથારા ધારકે ઝડપી પાડ્યો હતો. અને તે અંગેની જાણ પોલીસ કંટ્રોલને કરી હતી. પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળતાજ એસ.ઓ.જી.ની ટીમ મેળામાં પહોંચી ગઇ હતી. અને ઝડપાયેલા યુવાનની અટકાયત કરીને પોલીસ મથકે લઇ ગઇ હતી. જ્યાં તેની અંગજડતી કરતા તેની પાસેથી બનાવટી ચલણી નોટ મળી આવી ન હતી. પરંતુ, તેની પૂછપરછમાં બનાવટી ચલણી નોટો બનાવવાનું કૌંભાડ સપાટી ઉપર આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




