વડોદરા,તા.૬
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં લૂંટારૂ ત્રિપુટી મિટીંગ માટે ભેગી થાય તે પહેલાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ત્રિપુટીની તમંચો અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી હતી. આ ત્રિપુટીની પૂછપરછમાં અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્્યતાઓને નકારી શકાય નહીં.
વડોદરા ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. કે.જે.ધડુકે જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એસ.એમ.સોની ગોરવા-જવાહરનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને સુભાનપુરામાં ૩ વ્યકિતઓ વડોદરા શહેરમાં કોઇ સ્થળે લૂંટ કરવાનો પ્લાન બનાવવા ભેગા થવાના હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે વોચ ગોઠવી એકિટવા ઉપર આવી પહોંચેલા મોઇન હારૂન રાઠોડ (રહે. ૨૮૬, ગંગાનગર ઝૂપડપટ્ટી, રીફાઇનરી રોડ, વડોદરા), સુનિલ ઉર્ફ બંટી જશુ રાઠોડ (રહે. ૨૫૫, ગંગાનગર ઝૂપડપટ્ટી, રિફાઇનરી રોડ, વડોદરા) અને મનહરસિંહ રૂપસિંહ રણા (રહે. કરચીયા ગામ, સાવલી)ની ધરપકડ કરી હતી. તેઓની મોપેડની ડીકીમાં તપાસ કરતા તમંચો અને ૯ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. વડોદરા શહેરમાં કોઇ સ્થળે લૂંટ કરવા માટે દોઢ વર્ષ પહેલાં સુનિલ ઉર્ફ બંટીએ રૂપિયા ૭૦૦૦માં તમંચો અને રૂપિયા ૯૦૦માં ૯ જીવતા કારતૂસ ખરીદ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



