સરકારી હોસ્પિટલોમાં ઇજારદારોના શોષણના વિરોધમાં કર્મચારીઓએ મૌન રેલી કાઢી

0
7

વડોદરા,તા.૨૧
વડોદરાની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓનો ઇજારો ધરાવતા એમ.જે. સોલંકી અને ડી.જી. નાકરાણી દ્વારા થઇ રહેલા શોષણના વિરોધમાં કર્મચારીઓ દ્વારા વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. અને કર્મચારીઓના શોષણ માટે જવાબદાર ઇજારદાર અને અધિકારીઓ સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના ઋષી વાલ્મિકી સુરક્ષા સેવા સંસ્થાના અગ્રણીઓ અશ્વિન સોલંકી અને અંબાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલ, ગોત્રી મેડિકલ કોલેજ, ગોત્રી હોસ્પિટલ સહિત શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં વર્ગ-૩ અને વર્ગ-૪માં ૧૨૦૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ કર્મચારીઓનો ઇજારો એમ.જે. સોલંકી અને ડી.જી. નાકરાણીનો છે. આ બંને ઇજારદારો દ્વારા સરકારમાંથી એક કર્મચારી દીઠ રૂપિયા ૧૫૦૦૦ થી રૂપિયા ૨૧૦૦૦ વસુલ કરે છે. અને કર્મચારીઓને રૂપિયા ૬૮૦૦થી રૂપિયા ૧૦,૦૦૦ પગાર ચૂકવવામાં આવે છે. આમ આ ઇજારદારો એક કર્મચારી દીઠ રૂપિયા ૫થી ૧૦ હજાર નફો મેળવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઇજારદારો દ્વારા કરવામાં આવી રહેલા શોષણના પગલે ગોરવા શાકમાર્કેટથી ગોરવા પોલીસ મથક સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા મહિલાઓ અને પુરૂષ કર્મચારીઓ જોડાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY