૪૦૦ યુવા મંડળોને ક્રિકેટ અને વોલીબોલ કીટનું વિતરણ કરાશે
વલસાડ, તા. ૫
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે તા.૫/૩/૨૦૧૯ ના રોજ વલસાડ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. નિયત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભિલાડ ખાતે રૂ.૧૩.૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક તૈયાર થયેલી અપગ્રેડ ચેકપોસ્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ વન અધિકાર અધિનિયમ હેઠળ ૧પ૮૯ આદિવાસી લાભાર્થીઓને ૧૫૭૦ એકર જમીનનો હક્કપત્રકો એનાયત કરશે. આ ઉપરાંત વનવિભાગના આઠ સ્વસહાય જુથોને રૂ.૩૫ સહાયના ચેકો તેમજ જિલ્લાના સ્વામી વિવેકાનંદ ૪૦૦ યુવક મંડળોને ક્રિકેટ-વોલીબોલ કિટસનું વિતરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના આગમનને લઇને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર સી.આર.ખરસાણના વડપણ હેઠળ તૈયારીઓ કરી લીધી છે. રાજય આદિજાતિ વિકાસ મંત્રી રમણભાઇ પાટકરે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેકટરે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નિયત કાર્યક્રમ અનુસાર આજે તા.પ/૩/૧૯ના રોજ સાંજે નાહુલી ખાતેના હેલીપેડ ઉપર આવશે. ત્યાંથી ભિલાડ આર.ટી.ઓ. ચેકપોસ્ટ ખાતે ભીલાડ-સોનગઢ ચેકપોસ્ટ ઇન્ટીગ્રેટર પ્રોજેકટનું તકતી અનાવરણ કરી, વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે અને ભિલાડ ખાતે સભામંડપમાં વિવિધ યોજનાઅો હેઠળ સહાયના ચેકો વિતરણ કરશે. કાર્યક્રમ પૂર્ણ થયે મુખ્યમંત્રીશ્રી ભિલાડ થી મોટરમાર્ગે દમણ જઇ, ગાંધીનગર જવા રવાના થશે.
મુખ્યમંત્રીશ્રીની સાથે કૃષિ, ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુ, રમતગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર, સાંસદ ડો. કે.સી.પટેલ, બંદરો અને વાહનના અગ્રસચિવ સહિત પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો જોડાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



