દિવ્યાંગ વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના

0
193

વલસાડ જિલ્લાના ૧૯ દિવ્યાંગોને રૂ. ૯.૨૦ લાખની સહાય અપાઇ
વલસાડ, તા. ૦૨
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા સમાજના નબળા વર્ગ તેમજ ખાસ કરીને દિવ્યાંગ, જરૂરિયાતમંદ વર્ગો અનાથ, નિરાધાર બાળકો, વૃદ્ધોના ક્ષેત્રે દૃઢ અને સંગીન પ્રયાસોથી રક્ષણ, શિક્ષણ અને તાલીમ દ્વારા પુન.સ્થાપન માટે વિવિધ ક્ષેત્રે કાર્યરત છે. જેમાં દિવ્યાંગથી દિવ્યાંગ અને દિવ્યાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાય આપવાની યોજના કાર્યરત છે.
રાજયની વિકલાંગ બહેનોની પરિસ્થિતિ ધ્યાને લઇ તેઅો સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે તે હેતુથી ૪૦ ટકા કે તેથી વધુ દરેક કેટેગરીની વિકલાંગતા ધરાવતી ૮૦ ટકા થી વધુ દ્રષ્ટિહિન, ૮૦ ટકાથી વધુ બહેરા-મુંગા વ્યકિતઅોને દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયરૂપે બન્ને વ્યકિતઓને ૫૦-૫૦ હજારની સહાય મળવા પાત્ર છે. જ્યારે દિવ્યાંગથી સામાન્ય વ્યકિતને લગ્ન માટે આર્થિક સહાયરૂપે યુગલની માથી દિવ્યાંગ વ્યકિતને જ ૫૦ હજારની સહાય મળવાપાત્ર છે.
વલસાડના અબ્રામા ઝરણાપાર્કમાં રહેતી એક પગે દિવ્યાંગ યુવતી અમીષાબેનના લગ્ન મિતેશભાઇ સાથે થયાં હતાં, તેમને રાજ્ય સરકારની ઉક્ત યોજના હેઠળ ૫૦ હજારની સહાય મળી હતી. આ સહાય બદલ અમીષાબેન અને તેમના કુટુંબીજનોએ દિવ્યાંગ વ્યક્તિઓ સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ યોજના હેઠળ ૧૭-૧૮ના વર્ષ દરમિયાન વલસાડ જિલ્લાના ૧૯ લાભાર્થીઓને રૂપિયા ૯.૨૦ લાખની સહાય આપવામાં આવી છે. આ યોજના અંર્તગત સહાય મેળવવા માટે કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ. તથા આ યોજનાનો લાભ યુગલ દિઠ એક જ વખત મળવા પાત્ર છે. અરજી સાથે વિકલાંગ ઓળખપત્ર અથવા સિવિલ સર્જનના દાખલાની પ્રમાણિત નકલ, બન્નેના શાળા છોડ્યાના પ્રમાણપત્ર, બન્નેના સંયુકત ફોટો, લગ્નની કંકોતરી, લગ્ન રજિસ્ટ્રાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલા નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, બેંક પાસબુક, આધારકાર્ડ વગેરે દસ્તાવેજો જોડવાના રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY