વલસાડ,તા.૧૨
નવસારીથી દમણ જતી બસના ચાલકને ચાલુ બસ દરમિયાન ખેંચ આવી જતા ૩૫ જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. જેમાં એક મહિલાએ ચાલુ બસમાંથી કૂદકો લગાવ્યો હતો. જો કે, બસ આખરે હાઇવેના ડીવાઈડર ઉપર ચડી ગઈ હતી. તેમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત મહિલા અને બસના ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
નવસારી જી્ ડેપોની બસ દમણ જઈ રહી હતી. તે દરમિયાન વલસાડના અતુલ ઓવરબ્રીજ નજીક ચાલુ બસમાં બસના ચાલકને અચાનક ખેંચ આવી જતા તેણે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. આ ઘટનામાં બસમાં સવાર ૩૫થી વધુ મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકતા ગભરાઇ ગયેલી એક મહિલા ચાલુ બસમાંથી કૂદકો લગાવ્યો હતો. ચાલુ બસમાંથી કુદકો લગાવેલી મહિલાને હાથના અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.
જ્યારે એસ.ટી બસ હાઇવેની વચ્ચે આવેલા ડિવાઇડર ઉપર ચઢી જતાં તમામ મુસાફરોનો બચાવ થયો હતો. જો કે, દરવાજો ખૂલી શકે તેમ ન હોવાથી તમામ મુસાફરોને ડ્રાઈવરની પાસેના કાચ તોડીને આગળથી બહાર કાઢવાની ફરજ પડી હતી. તેમજ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સના મારફતે સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


