વાવ,તા.૧૦
હાલ સમગ્ર રાજ્યમાં ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે અનેક જગ્યાએથી કોપીકેસની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ યૂપી અને બિહારમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવતી ઘટનાઓ સામે આવતી હોય છે, તેમ ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષામાં બિહારવાળી જેવો કેસ સામે આવ્યો છે.
બનાસકાંઠાના વાવમાં ધોરણ-૧૨ની પરીક્ષામાં મોટી લાપરવાહી સામે આવી છે. અહીં ગઇકાલે એટલે કે શનિવારે યોજાયેલી ચાલુ પરીક્ષામાં એક પરીક્ષાખંડમાં એક વિદ્યાર્થી સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાનનું પેપર આપી રહ્યો હતો. આ વિદ્યાર્થીનો નંબર સ્કૂલની બારી પાસે આવેલો હતો. ત્યાં અચાનક બહારથી એક યુવક સ્કૂલનો વરંડો કૂદીને બારી પાસે આવ્યો હતો. અને ચાલું પરીક્ષાએ વિદ્યાર્થીનું પેપર છીનવી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે સ્કૂલમાં મોટો હોબાળો મચી ગયો હતો.
તમને જણાવી દઇએ કે, બનાસકાંઠાના વાવમાં આ ઘટના વિનય મંદિર હાઇસ્કૂલમાં બની હતી. આ ઘટનાને પગલે શાળાના આચાર્યએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસને ઘટનાની માહિતી મળતા તાબડતોડ રીતે સ્કૂલમાં પહોંચી હતી, અને ત્યાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી સાથે બનેલી બિહારવાળી ઘટનાને પગલે શાળાની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોના મનમાં હાલ એવો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે, બોર્ડની પરીક્ષામાં હથિયારધારી પોલીસ બંદોબસ્ત હોવા છતાં બહારના યુવક સ્કૂલનો વરંડો કૂદીને કેવી રીતે પ્રવેશ કર્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




