
વિન્ડીઝ, ઇંગ્લૅન્ડ સામેની ઐતિહાસિક જીત માટે હંમેશા યાદ રહેશે
મુંબઈ,તા.૧૬
ભારતના મહાન ક્રિકેટ-સુકાની, અવ્વલ દરજ્જાના બૅટ્સમૅન અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર અજિત વાડેકરનું ગઈ કાલે રાત્રે અવસાન થયું હતું. તેઓ ૭૭ વર્ષના હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને જસલોક હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. તેઓ કૅન્સરથી પીડાતા હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું.
વિશ્ર્વના ઉત્તમ દરજ્જાના બૅટ્સમેનોમાં ગણાતા વાડેકરનું ભારતીય ક્રિકેટ સહિત સમગ્ર ક્રિકેટજગતમાં ખૂબ માન હતું. ભારતીય ક્રિકેટને તેમણે આપેલા બહુમૂલ્ય યોગદાન માટે તેઓ કરોડો ક્રિકેટપ્રેમીઓમાં અમર રહેશે. ૧૯૭૧માં વેસ્ટ ઈન્ડિઝ (૧-૦) તથા ઇંગ્લૅન્ડ (૧-૦) ખાતેના ઐતિહાસિક વિજય વખતે તેઓ ભારતીય ટીમના કૅપ્ટન હતા. ખાસ કરીને કૅરેબિયન ખાતેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ ભારતે ૧-૦થી જીતી લીધી હતી. એ શ્રેણીની બીજી ટેસ્ટથી સુનીલ ગાવ્સકરે ટેસ્ટ-ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ચાર મૅચમાં તેમણે ચાર સદી સહિત કુલ ૭૭૪ રન બનાવ્યા હતા. ગાવ્સકરની કારકિર્દીમાં એ પ્રવાસ સુવર્ણ અક્ષરે લખાયો છે.
વાડેકરે ૧૯૬૬થી ૧૯૭૪ દરમિયાન ૩૭ ટેસ્ટમાં એક સેન્ચુરી તથા ૧૪ હાફ સેન્ચુરી સહિત કુલ ૨૧૧૩ રન બનાવ્યા હતા. તેઓ બે વન-ડે ઇન્ટરનેશનલ પણ રમ્યા હતા. ૧૯૭૧ પછી ૧૯૭૨-’૭૩માં ફરી તેમના સુકાનમાં ભારતે ઇંગ્લૅન્ડને ૨-૧થી હરાવ્યું હતું.
૧૯૭૪માં ભારત પહેલી વાર જે વન-ડે રમ્યું હતું એમાં વાડેકર કૅપ્ટન હતા. ત્યાર બાદ તેઓ વધુ એક વન-ડે રમ્યા હતા અને ઇંગ્લૅન્ડ સામેની એ શ્રેણીમાં ભારતના નબળા દેખાવને પગલે વાડેકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
૧૯૯૦ના દાયકામાં તેઓ ભારતીય ટીમના મૅનેજર હતા. ૧૯૬૭માં તેમને અર્જુન એવાર્ડ અને ૧૯૭૨માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
વાડેકર લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગાવ્સકર તેમ જ બેદી સહિતના અસંખ્ય ભારતીય ક્રિકેટરોએ વાડેકરના નિધન સંદર્ભમાં દુઃખ વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયા પર તેમને અંજલિ આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


