કોંગ્રેસે સીએએના વિરોધી સૂત્રો લખેલા પતંગો ચગાવી ઉત્તરાયણ ઉજવી
અમદાવાદ,તા.૧૫
ગુજરાતમાં ઉતરાયણના પર્વમાં સીએએના સમર્થન અને વિરોધના સ્લોગન લખેલા પતંગો ચગતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણી જ્યાં આજે નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થનમાં સપોર્ટ સીએએના સ્લોગન ધરાવતા પતંગો ચગાવીનો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યાં છે. જ્યારે બીજીબાજુ તરફ કોંગ્રેસ પણ તહેવારના આ અવસરે સરકારને ઘેરવા માટે આ કાયદાના વિરોધમાં સુત્રો લખી ઉતરાયણ પર્વને રાજકિય રંગ આપવાનો પ્રયાસ કર્યો છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સ્થાનિકો સાથે પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન તેમણે નાગરિક્તા કાયદાના સમર્થનમાં સુત્રો લખેલા પતંગને ચગાવ્યા હતા. આ તકે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ આ કાયદાને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે.
જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર બદરુદ્દીન શેખે આજે પોતાના ઘરે નાગરિક્તા કાયદાના વિરોધી સુત્રો લખેલા પતંગો ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ અવસરે શાહપુર અને જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાળા ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસના અધ્યક્ષ શશિકાંત પટેલ અને એએમસીમાં વિપક્ષ નેતા દિનેશ શર્મા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


