મારા બધા રસ્તાઓ તારા સુધી આવે છે તારા પર મારો હક છે તું મારો પ્રેમ છે

0
17

કોલમ:- “પ્રેમની વસંત બારેમાસ”
લેખક:- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર:-9824856247

મહિલાઓ દ્વારા પોતાના ફળિયાની સાફ-સફાઇ કરવામાં આવી રહી છે અને મંદિરોમાંથી આરતીનો અવાજ સંભળાઈ રહ્યો છે. ઘરના મોટા ભાગના લોકો વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા છે પરંતુ હજુ અનિલ પોતાના બેડરૂમમાં જ છે. “અનિલ કેટલી વાર? હવે તો આઠ વાગવા આવ્યા છે. પથારીમાંથી ઊભો થા. ઘરના બધા લોકો તૈયાર થઈ ગયા છે અને ફક્ત તારા એકલાની રાહ જોઈ રહ્યા છે” તેમ અનિલના માતાએ કહ્યું. “ક્યાં મોડું થઈ જવાનું છે? મને શાંતિથી સુવા તો દો અને આ બારી બારણા બંધ કરી દો બહારનો અવાજ બહુ સંભળાઈ રહ્યો છે. બસ થોડીવાર હું સુઈ લઉં અને પછી ફટાફટ તૈયાર થઈ અને આપણે બધા સાથે જઈએ” તેમ અનિલે કહ્યું. “આ છોકરો ખૂબ જિદ્દી છે અને તે તેના મનનું ધાર્યું જ કરે છે” તેમ અનિલના માતાએ ઘરના અન્ય સભ્યો ને સંભળાવતા કહ્યું. આ અનિલને હવે તો પરણાવી દેવો પડશે એટલે તેને પોતાની જવાબદારીઓનું થોડું ભાન થશે તેમ પરિવારના સભ્યો ચર્ચા કરી રહ્યા છે. થોડીવાર પછી અનિલ પથારીમાંથી ઊભો થાય છે અને હાથમાં મોબાઈલ લઈને બેસી જાય છે. પરિવારના બધા જ સભ્યો અનિલની સામે જોઈ રહ્યા છે ત્યારે અનિલે કહ્યું કે ફક્ત એક ગુડ મોર્નિંગ બધાને કહી દઉં પછી હું પાંચ મિનિટમાં તૈયાર થઈ જઈશ. અનિલ સવારમાં ઉઠીને સૌ પ્રથમ તેની પ્રેમાળ મિત્ર સોનાલીને ગુડ મોર્નિંગનો મેસેજ કરે છે અને તેનો રીપ્લાય મળતા જ ખુશ થઈ જાય છે અને પછી ફટાફટ તૈયાર થઈને પરિવારના સભ્યો સાથે બહાર જવા માટે નીકળે છે. તો બીજીબાજુ સોનાલી પણ સવારમાં વહેલી ઊઠીને તૈયાર તો થઈ જાય છે પરંતુ તેનું મન ઘરના કોઈ કામકાજમાં લાગતું ન હતું. જેવો અનિલનો મેસેજ આવે છે અને થોડી વાતચીત થાય છે પછી સોનાલીમાં નવી શક્તિનો સંચાર થાય છે. અનિલ સાથે થોડી વાતચીતથી પણ સોનાલી ખૂબ જ ખુશ થઈ જાય છે. એક ક્ષણ માટે પણ અને તેનાથી દુર રહે તે સોનાલીને ગમતું નથી પણ આજે અનિલ પરિવાર સાથે બહારગામ જવાનો હોવાથી બહુ વાત થાય તેમ નથી એટલે સવારના સમયમાં જ સોનાલીએ તેની સાથે વાતચીત કરી લીધી અને આખા દિવસની પેમાળ શક્તિ પણ મેળવી લીધી છે.
અનિલ પરિવાર સાથે પોતાની ગાડી લઈને બહારગામ જવા માટે ઘરેથી નીકળે છે ત્યારે અનિલ પિતાજી કહે છે કે “અનિલ તું ગાડી ધ્યાનથી ચલાવજે. હમણાં રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે.” “હા પિતાજી હું ગાડી ધ્યાનથી જ ચલાવી રહ્યો છું” તેમ અનિલે જણાવ્યું. આવી વાતચીત ચાલી રહી હોય છે અને ઘરેથી નીકળ્યાને માત્ર પાંચ દસ મિનિટ જેટલો સમય થયો છે ત્યાં સ્પીડમાં રસ્તા પર આગળ જઇ રહેલ ટ્રક અચાનક બ્રેક લગાવે છે અને તેની પાછળ આવી રહેલ અનિલની ગાડી બ્રેક લગાવવા છતાં પણ ટ્રક સાથે ધડાકા ભેર અથડાય છે. પરિવારના સભ્યો કાંઈ સમજી શકતા નથી કે આ શું થઈ ગયું. ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો અનિલ લોહી લુહાણ થઇ જાય છે અને પરિવારના અન્ય સભ્યોને પણ સામાન્ય ઇજા થાય છે. અનિલને તાત્કાલિક શહેરના ખ્યાતનામ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને તેની તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવે છે. ડોક્ટરોના અનેક પ્રયત્નો છતાં પણ અનિલને ભાનમાં લાવી શકાતો નથી અને અનિલ બેભાન અવસ્થામાં ક્યારેક ક્યારેક માત્ર સોનાલી… સોનાલી…. એવો અસ્પષ્ટ ઉચ્ચારણ કરી રહ્યો છે. જ્યારે અનિલનો મિત્ર સંજય હોસ્પિટલમાં અનિલની ખબર કાઢવા માટે આવે છે ત્યારે તેને આ વાતની જાણ થાય છે. તો આ બાજુ બે દિવસથી અનિલ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત ન થઈ હોવાના કારણે સોનાલી પણ ખૂબ જ ચિંતાતુર થઈ જાય છે અને અનિલ સાથે સંપર્ક કરવા માટે વારંવાર પ્રયત્નો કરી રહી છે. સોનાલી હવે અનિલના ઘરે જવાનું વિચારી રહી છે અને તે હિંમત કરીને અનિલના ઘરે પણ પહોંચી જાય છે. “તમે કોણ છો અને કોનું કામ છે” તેમ અનિલના ઘરે રહેલા માજી એ સોનાલીને પૂછ્યું ત્યારે સોનાલીએ કહ્યું કે “હું અનિલ ને મળવા માટે આવી છું અને તેનું થોડું કામ છે”. માજી થી કહેવાય ગયું કે “અનિલ તો હોસ્પિટલમાં દાખલ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.” આ સાંભળતાની સાથે જ સોનાલીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે અને તે ઘરમાં રહેલ અનિલ તસવીર પાસે જઈને ઊભી રહી જાય છે. માજી જ્યારે પૂછે છે કે તમે કેમ રડો છો ત્યારે સોનાલીએ કહ્યું કે અનિલ મારી જીંદગી છે. સોનાલી હોસ્પિટલનું સરનામું મેળવી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અનીલ પાસે પહોંચી જાય છે. અનિલના પગ પાસે બેસીને સોનાલી ચોધાર આંસુએ રડવા લાગે છે. અનિલના પરિવારના સભ્યો કાંઈ સમજી શકતા નથી કે આ યુવતી કોણ છે અને શા માટે અનિલ પાસે આવીને રડી રહી છે. અનિલના પિતાજી આ યુવતી પાસે જઈને તેને અનિલ પાસેથી થોડે દુર લઇ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે સોનાલીની આંખમાંથી આંસુનું બુંદ અનીલના ચહેરા પર પડે છે. સોનાલીના આંસુના બુંદથી જાણે કે અનિલનો ચહેરો ખીલવા લાગે છે અને તેનામાં શક્તિનો સંચાર થઇ રહ્યો હોય તેવું પરિવારજનોને લાગી રહ્યું છે. આ જોઈને પરિવારના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને સોનાલીને અનિલની પાસે જ રહેવા દેવામાં આવે છે. અનિલના મોઢા પર સોનાલી હેતથી હાથ ફેરવી રહી છે અને સતત અનિલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહી છે. સતત ત્રણ દિવસ સુધી સોનાલી અને તેની સાથે જ રહે છે અને આખરે સોનાલીની મહેનત રંગ લાવે છે. સોનાલીનો અવાજ સાંભળીને અનિલ થોડી આંખો ખોલવા લાગે છે. અનિલ જેવો આંખો ખોલે છે કે તરત જ ડોક્ટરને બોલાવવામાં આવે છે ત્યારે અનિલને તપાસીને ડોક્ટર કહે છે કે આ દવાની નહીં પરંતુ સોનાલીના પ્રેમની તાકાત છે કે અનિલે આંખો ખોલી છે. એકાદ અઠવાડિયા જેટલો સમય હોસ્પિટલમાં રહ્યા પછી અનિલ થોડો સ્વસ્થ થાય છે અને તે પોતાના ઘરે જવાના બદલે સૌથી પહેલાં સોનાલીના ઘરે પરિવાર સાથે પહોંચી જાય છે. સોનાલીનો પરીવાર આ બધી વાતથી અજાણ છે અને જ્યારે અનિલના માતા પિતા બધી વાત કરે છે ત્યારે સોનાલીના સપીવારના સભ્યો પણ આશ્ચર્યચકીત થઇ જાય છે. અનિલ અને સોનાલીના પ્રેમને બન્ને પરીવારોની મુક સંમતિ મળવાથી પ્રેમી યુગલ ખુબ જ હરખાઇ જાય છે. સોનાલી બધાની હાજરીમાં જ બોલી ઉંડે છે કે “ભગવાન પાસેથી પણ મેં તને માંગી લીધો છે, તારો સાથ હું ક્યારેય નહી છોંડુ ને હંમેશા તારી સાથે જ રહીશ. મારા બધા રસ્તાઓ તારા સુધી આવે છે. તારા પર મારો હક છે તું મારો પ્રેમ છે” “હું તારો જ બની ગયો છું અને તને મારી બનાવી લીધી છે. તારા માટે તો હું આખી દુનિયા સામે લડી શકૂ છુ. જન્મોજનમ તને જ મારી બનાવીશ” તેમ અનિલે કહ્યુ. સોનાલી અનિલ પાસે આવે છે અને બન્ને પરીવારજનોની ઉપસ્થિતીમાં પણ ભેટી પડે છે. બન્ને પરીવારના સભ્યો સોનાલી તથા અનિલને આશિર્વાદ આપે છે કે આવી જ રીતે જન્મોજનમ સુધી પ્રેમ કરતા રહેજો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY