૨૦૧૯ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ગોધરાકાંડની ઘટનાનો પણ ઉપયોગ કરશે..!!

0
260

નરેન્દ્ર મોદીને પોતાની પ્રતિકુળતાઓને અનુકુળતામાં ફેરવી દેતા સારી રીતે આવડે છે. હજી થોડા વખત પહેલા પુલવામાં જે રીતે સીઆરપીએફ ઉપર હુમલો થયો તે ઘટનાને કારણે નરેન્દ્ર મોદી ઉપર પસ્તાળ પડી હતી, પણ આ ઘટનાનો પણ નરેન્દ્ર મોદીએ સારો લાભ લીધો અને બાજી પોતાની તરફ ફેરવી નાખી હતી. આવુ જ ૨૦૦૨માં ગુજરાતમાં થયુ હતું, ગોધરા રેલવે સ્ટેશન ઉપર સાબરમતી એકસપ્રેસને આગ ચાંપી દેવામાં આવી હતી જેના પગલે ગુજરાતમાં હુલ્લડ ફાટી નિકળ્યા હતા. આ ઘટનાને કારણે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ પણ ખાસ્સા નારાજ થયા હતા અને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન પદેથી હટાવી દેવાનો લગભગ નિર્ણય થઈ ગયો હતો, પરંતુ આ વખતે પણ નરેન્દ્ર મોદીએ બાજી પોતાની તરફ કરી લીધી અને હિન્દુ નેતા તરીકે ઉપસી આવ્યા હતા.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી વિકાસના નામે જીત્યા હતા અને દેશને ગુજરાત મોડેલ જેવો વિકાસ આપવાની વાત કરી હતી, પણ ૨૦૧૯ આવતા પહેલા નરેન્દ્ર મોદીને સમજાઈ ગયું હતું કે હવે વિકાસનો મુદ્દો ચાલશે નહીં અને ફરી હિન્દુત્વની બોટમાં સવારી કરવી પડશે, જેને ધ્યાનમાં લઈ નરેન્દ્ર મોદીના હિન્દુત્વને આધાર બનાવી એક વેબ સિરીઝ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વેબ સિરીઝનું મુખ્ય કામ નરેન્દ્ર મોદી પોતાને જે રીતે જુવે છે તેવી છબી ઉભી કરવાનું છે. મુંબઈની એક જાણિતી ફિલ્મ નિર્માણ કંપનીને તેનું કામ સોંપવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ નરેન્દ્ર મોદીના વડનગરથી લઈ દિલ્હી સુધીની સફર આધારિત છે. આ વેબ સિરીઝની સ્ક્રીપ્ટ વાંચ્યા પછી તેમાં કેટલાંક સુધારા કર્યા પછી મોદીએ સ્ક્રીપ્ટને લીલી ઝંડી આપતા હાલમાં વેબ સિરીઝનું ગુજરાતના વડોદરા રેલવેમાં તેનું શૂટીંગ ચાલી રહ્યું છે.
જાણિતા ફિલ્મ નેર્દેશક ઉમેશ શુક્લ વેબ સિરીઝનું નિર્દેશન સંભાળી રહ્યા છે. આ વેબ સિરીઝ અંગેની વાત ખુબ ગુપ્તમાં જાળવવામાં આવી રહી છે. આ કામ સાથે સંકાળાયેલા તમામ સાથે કંપનીએ કોન્ટ્રાકટ કર્યો છે કે તે વેબ સિરીઝ ઓન એર થાય નહીં તે પહેલા તે અંગે કોઈની સાથે વાત કરશે નહીં, પરંતુ વડોદરા રેલવેના પ્રતાનગર ખાતે ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું હોવાને કારણે થોડીક વિગતો જાહેર થઈ ગઈ છે. પ્રતાપનગર ખાતે ગોધરા રેલવે સ્ટેશન ઉપર સાબરમતી ટ્રેનને આગ ચાંપી દેવાની ઘટનાનું શૂટીંગ ચાલી રહ્યું છે.
જાણકારની માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી ગોધરાની ઘટનામાં પોતે કેવી રીતે ખોટી રીતે બદનામ થાય છે તે વાત દેશની જનતા સમક્ષ મુકી ફરી ૨૦૦૨ની યાદ અપાવવા માગે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર જ વેબ સિરીઝ નિર્માણ થઈ રહી છે. જેના કારણે રેલવે દ્વારા યુનિટને રેલવેમાં શૂટીંગ કરવાની મંજુરી આપવામાં આવી છે.
વેબ સિરીઝનો હપ્તો અડધો કલાકનો રહેશે અને તેના દસ ભાગ હશે, એપ્રિલ અંત સુધી તે ટેલીકાસ્ટ કરી દેવામાં આવશે તેવું જાણકારોનું કહેવું છે. આમ તો નરેન્દ્ર મોદીના જીવન ઉપર આધારિત વિવેક ઓબેરોયની ફિલ્મ મે ૨૦૧૯ પહેલા રજુ કરવાનું આયોજન હતું પણ તેમાં વિલંબ થઈ રહ્યો હોવાને કારણે ૨૦૧૯ની ચૂંટણી પહેલા લોકો સામે નરેન્દ્ર મોદીની મજબુત છબી ઊભી કરવા વેબ સિરીઝ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY