પોલીસ બાતમી મેળવવા માટે વિવિધ નુસખા અપનાવતી હોય છે. જેમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવેલા પ્રવાસી પાસે દારૂ છે કે નહીં તે જાણવા હવે પોલીસ અને ટેક્સી ડ્રાઈવર્સની સિન્ડીકેટ બની છે. જેમાં શહેરમાં પ્રવેશેલા મુસાફર પાસે દારૂ મળે તો પોલીસ ટેક્સી ડ્રાઈવરને ૫૦૦ રૂપિયા ઈનામ આપે છે. જો કે ૧૦૦ મુસાફરો દારૂ સાથે પકડાય તો માંડ એક વ્યક્તિ સામે જ કેસ થાય બાકી ટ્રાફિકના નિયમ ભંગ કરતા ચાલકો સામે સ્થળ ઉપર માંડવાળ થાય તે પ્રકારે આ કેસમાં પણ તેવુ જ થાય છે.
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે વિદેશથી આવી રહેલો મુસાફર પોતાની સાથે બે લીટર દારૂ લાવી શકે છે. કસ્ટમ અને ગુજરાતના નિયમ પ્રમાણે ગુજરાતના કોઈપણ વિમાન મથકે આવેલા મુસાફર પાસે રહેલો બે લીટર દારૂ કસ્ટમ રોકી શકતુ નથી. જેના કારણે વિદેશથી આવતા પ્રવાસીઓ પૈકી ૯૮ ટકા મુસાફરો પોતાની માટે અથવા કોઈને ભેટ આપવા માટે વિદેશી દારૂ લાવતા જ હોય છે. પરંતુ જેવો આ મુસાફર એરપોર્ટની બહાર નિકળે તેની સાથે આ દારૂ ગુજરાતના કાયદા પ્રમાણે પ્રતિબંધિત થઈ જાય છે.
આમ કાયદેસરનો દારૂ પણ ગુજરાતમાં ગેરકાયદે થઈ જતો હોવાને કારણે પોલીસને મજા પડે છે. મોડી રાત્રે પેટ્રોલીંગમાં રહેલી પોલીસ કંઈ ભગવાન તો નથી કે તેને ખબર પડે કે કઇ કારમાં દારુ છે. શહેરમાં હજારો કાર પસાર થઈ રહી છે તેમાં કોઈ એક ચોક્કસ કારમાં દારૂ છે તેની પોલીસને કેવી રીતે ખબર પડે છે તે પ્રશ્ન છે. એક ટેક્સી ડ્રાઈવરે આપેલી જાણકારી પ્રમાણે એરપોર્ટની બહાર નિકળેલી વ્યક્તિ જો ખાનગી કારમાં નિકળે તો તે મુસાફર છે તેવુ પણ પોલીસને ખબર પડે નહીં, પરંતુ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહારથી કોઈ મુસાફર ટેક્સી ભાડે કરે તો તરત ટેક્સી ડ્રાઈવર પોતાના મળતીયા પોલીસવાળાને વોટસએપ મેસેજ કરે છે.
વોટસએપ મેસેજ મળતા જ સ્થાનિક પોલીસવાળા પીસીઆર વાહન લઈ રસ્તા ઉપર ઉભા રહી જાય છે. આમ ચોક્કસ નંબર પોલીસ પાસે હોવાને કારણે પોલીસ તે કારને રોકી તલાશી લે છે. જેમાં ૧૦માંથી ૮ કારમાં પોલીસને દારૂ મળી જાય છે. આમ વિદેશના પ્રવાસેથી આવેલી વ્યક્તિ પોલીસ સાથે સંઘર્ષ કરવા અથવા ચર્ચા કરવા માગતી નથી અને તેમને પોલીસ કેસ થાય તે પરવડે તેમ પણ હોતુ નથી. મુસાફર ડરીને માંડવાળાની વાત કરે એટલે પોલીસ નવા કાયદામાં રહેલી કડક કાયદાની જોગવાઈઓની વાત કરે છે અને એક લાખ રૂપિયાથી વાત શરૂ થાય છે અને આખરે પચાસ હજારમાં ફાઈનલ થાય છે, નફામાં પોલીસ વિદેશી દારૂ પણ લઈ જાય છે.
હવે ઘરમાં અથવા ઓફિસમાં બેસી દારૂ પીવાનું ચલણ પણ વધ્યુ છે. ખાસ કરી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં લોકો ઘરે અથવા ઓફિસે બેસી દારૂ પીવે છે, ત્યાં જમી લેવાનું પણ રાખે છે, તેઓ દારૂ પીધા પછી દંગો-ફસાદ પણ કરતા નથી. છતાં પોલીસની ઝપટે ચઢી જાય છે. તો પોલીસને કઈ રીતે ખબર પડે કે કોણ ઘર અથવા ઓફિસમાં દારૂ પી રહ્યુ છે? જેના માટે પોલીસે જાતે કેટલાંક સંશોધન કર્યા છે અને તેમા તેઓ કારગર નિવડયા છે.
(૧) આપણને બહુ સામાન્ય લાગે પણ પોલીસની નજર પાનના ગલ્લા અને ફરસાણ વેચતી દુકાનો ઉપર હોય છે. સાંજના સુમારે કોઈ વ્યક્તિ અલગ અલગ પ્રકારના ફરસાણના પેકેટ લે તો તરત શંકાના દાયરામાં આવી જાય. જો આ વ્યક્તિ તેની સાથે સોડાની બોટલ લે તો તે ચોક્કસ દારૂ પીવાનો છે તેવુ પોલીસ નક્કી કરે છે. અને ત્યાર બાદ પોલીસ તેના ઘર અથવા ઓફિસ સુધી તેનો પીછો કરે અને અડધો કલાક પછી તે ઘર અથવા ઓફિસનો દરવાજો ખખડે છે.
(૨) હવે ઘણા બધા દારૂ પીનારા લોકો જમ્યા પછી બહાર જમવા જતા નથી. તેઓ જ્યાં પાર્ટી કરી રહ્યા છે તે જ સ્થળે સ્વીગી અને ઝોમેટો જેવી ઓનલાઇ વેબસાઈટ ઉપરથી જમવાનું મંગાવે છે. પોલીસે આ જમવાનું ડીલીવર કરનાર યુવકોને વિશ્વાસમાં લીધા છે. સામાન્ય રીતે આ પ્રકારની સાઈટ ઉપરથી જમવાનું આપવા આવનાર ઘરના મુખ્ય દરવાજા સુધી આવે છે, તમે જ્યારે તેને પૈસા આપો ત્યારે તેની નજર ઘરમાં રહેલી વ્યક્તિઓ અને માહોલનો માપ કાઢતી હોય છે અને બહાર જઈ આ યુવક સ્થાનિક પોલીસને તેને જે કંઈ સમજાયુ તે જણાવે છે. આવુ અનેક કિસ્સામાં અમદાવાદમાં બન્યુ છે જેમાં જમવાનું આવ્યા પછી થોડીવારમાં પોલીસ પણ જમવા આવી જાય છે.
(૩) આપણે ત્યાં કેટલાંક દારૂ પીવાને બહાદુરી સમજે છે, તેઓ દારૂ પીધા પછી હોટલોમાં અને ખાસ કરી હાઈવેના ઢાબા ઉપર જમવા જતા હોય છે. ઢાબા ઉપર જમી રહેલી વ્યક્તિઓ ઉપર વેઈટરની નજર હોય છે. ખાસ કરી જો કોઈ પીધેલો પરિવાર સાથે જમવા આવ્યો હોય તો પહેલા સોફ્ટ ટાર્ગેટ થઈ જાય છે. કારણ આવો પીધેલો પરિવાર સાથે ત્યારે પોલીસ સ્ટેશન જવાનું પસંદ કરતો નથી. આમ માંડવાળ જલદી અને વધારે થાય છે. જો કે પોલીસને આ પ્રકારની મદદ કરનાર સાઈટના ડીલેવરી બોય અને વેઈટરનું પોલીસ પણ પુરતા પ્રમાણમાં ધ્યાન રાખે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


