અમેરિકના પ્રમુખપદની ચૂંટણી નવેમ્બર ૨૦૨૦માં યોજાવાની છે, જેને હજી ૨૨ મહિનાની વાર છે. ભારતમાં એપ્રિલ-મે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને હવે બે જ મહિનાની વાર છે. પણ બંને દેશોમાં ચૂંટણીનો માહોલ એક સરખો જામી ગયો છે. એકસરખો સવાલ પણ બંને દેશોમાં પૂછાવા લાગ્યો છે – ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ફરીથી જીતશે ખરા? ડોનાલ્ડ ટ્રમ્પ ૪ વર્ષ પૂરા કરીને બીજી ટર્મ માટે લડવાના છે, ત્યારે બીજી ટર્મ મળશે ખરી તે સવાલ છે. ત્રીજી ટર્મ બંધારણ પ્રમાણે અમેરિકામાં કોઈ પ્રમુખને મળતી નથી. તેના કારણે મોટા ભાગે કોઈ પ્રમુખ પ્રમાણમાં ઠીકઠાક કામ કરી લે તો બીજી ટર્મ મળી જતી હોય છે. પરંતુ દરેક વખતે જરૂરી નથી કે બીજી વાર જીતવા મળે જ. અમેરિકામાં કુલ ૧૧ વાર એવું બન્યું છે કે જેમાં પ્રમુખ માત્ર ચાર જ વર્ષ માટે રહ્યા હોય. તેમાંથી કેટલાક કિસ્સા ૧૯૫૧માં બંધારણ બદલાયું તે પહેલાંના પણ છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં આવા પાંચ કિસ્સા થયા છે, તેમાંથી ત્રણ બંધારણ બદલાયું તે પછીના છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિવાદાસ્પદ પ્રમુખ સાબિત થયા છે. હકીકતમાં તેમની ચૂંટણી થઈ ત્યારે જ વિવાદો થયા હતા. તેમની સામે હિલેરી ક્લિન્ટન લડ્યા હતા. અમેરિકાને પ્રથમ મહિલા પ્રમુખ મળે તેવો ઇતિહાસ રચાવાની શક્યતા જણાઈ રહી હતી. હિલેરી ક્લિન્ટન ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની તરીકે વગદાર પણ જણાતા હતા, છતાં ભારે વિવાદો વચ્ચે ટૂંકી લીડથી ટ્રમ્પ જીતી ગયા. હવે ટ્રમ્પ સામે કેટલાક મહિલાઓ ઉમેદવારો ખડા થઈ રહ્યા છે અને ચાર વર્ષ પછી તેમને બીજી ટર્મ ના મળે અને મહિલા પ્રમુખ દેશને મળે તે માટેનો માહોલ ઊભો કરવાની કોશિશ થઈ રહી છે. તુલસી ગબાર્ડ પછી કમલા હેરિસે પણ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝંપલાવશે. નિકી હેલી અને અન્ય એક કે બે મહિલા ઉમેદવારો પણ કદાચ સ્પર્ધામાં જાડાય તેવી શક્યતા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાંથી પણ વિરોધ છે અને વિપક્ષ સિવાયના વર્તુળોમાંથી પણ ટ્રમ્પ સામે પડકાર ઊભો થવા લાગ્યો છે. હાલના અઠવાડિયાઓમાં જ અમેરિકામાં સૌથી લાંબું શટડાઉન ચાલ્યું. શટડાઉન એટલે સરકારી ખર્ચા કરવાની જાગવાઈને કાયદાકીય મંજૂરી ગૃહ તરફથી ના મળે એટલે કર્મચારીઓના પગાર ના થાય. અમેરિકન કર્મચારીઓના પગારની ચૂકવણી અટકી પડી હતી. ટ્રમ્પ અબજા ડાલર ખર્ચે મેક્સિકો સાથેની સરહદે દિવાલ બાંધવા માગે છે. બાકીના લોકો કહે છે કે આ એક ગાંડપણ છે. આટલી લાંબી દિવાલ બાંધી દેવાથી ઘૂસણખોરી અટકી જશે તેની કોઈ ખાતરી નથી. ઘૂસણખોરી અટકાવવાની ઘણાની ઇચ્છા પણ નથી. અમેરિકાનો સતત વિકાસ થયા કરે છે, કેમ કે દુનિયાભરમાંથી ઇમિગ્રન્ટ્સ અહીં આવતા રહે છે. ઉત્તમ ભેજાં પણ અહીં આવે છે અને મહેનત મજૂરી કરવા માગનારા લોકો પણ આવે છે. તેના કારણે અર્થતંત્ર દોડતું રહે છે અને દુનિયાના અર્થતંત્ર પર વર્ચસ રહે છે. આ કડી તૂટી ના જાય તેમ અમેરિકના સ્થાપિત હિત ધરાવતા ઉદ્યોગપતિઓ ઇચ્છે છે.
આર્થિક મંદીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ભારે ફટકો પડ્યો હતો. ભારતમાં પણ નોટબંધી અને તે પછી જીએસટીના અયોગ્ય અમલને કારણે વેપારધંધાને ભારે ફટકો પડ્યો હતો. ખેડૂતો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં જીડીપીમાં ફરી સુધારો થયો છે, પણ જીડીપીમાં સુધારો થયો તેની સામે રોજગારી વધી નથી. બીજું છેલ્લે ઓક્સફામનો રિપોર્ટ આવ્યો તે આમ આદમીને નારાજ કરે તેવો છે. ૨૦૧૮ના વર્ષમાં દેશના ૫૦ ટકા ગરીબોની સ્થિતિમાં સુધારો અવશ્ય થયો, પણ માત્ર ૩ ટકાનો. ત્રણ ટકા આવક વધી, પરંતુ દેશના ધનવાન એક ટકા લોકોની આવક અધધધ ૩૯ ટકા વધી ગઈ. દેશના અમીરો રોજની ૨૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરતા રહ્યા હતા. દેશ સમૃદ્ધ થયો પણ નાગરિકો ત્યાંના ત્યાં રહ્યા તે સ્થિતિમાં તેમનો રોષ કોના પર ઉતરશે તે જાવાનું રહ્યું.(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



