ડૉ. રૂત્વીજ પટેલ, પોલીસ જો હટી ગઈ તો પબ્લીક નેતાઓને હેસીયત બતાડશે

0
28

દોસ્ત,
રૂત્વીજ પટેલ હું તમને ઘણા લાંબા સમયથી ઓળખું છું, માત્ર તમને જ નહીં તમારા પરિવારના સદસ્યો પણ મારા વડિલ મિત્રો છે, તેના કારણે રવિવારના રોજ તમે અમદાવાદના રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ સાથે જે પ્રકારનો દુરવ્યવહાર કર્યો અને તેમના પટ્ટા ઉતારી લેવાની વાત કરી, તે મારા માટે અપેક્ષીત નહીં હોવાને કારણે આધાતજનક હતી. કારણ તમે રોડ છાપ નેતા નથી, શિક્ષીત છો, વ્યવસાઈક ડાક્ટર છો, સારા પરિવારમાંથી આવો છો, આમ છતાં રિવરફ્ન્ટ ઉપર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા ઝઘડાને કારણે તમારો ઉશ્કેરાટ સ્વભાવીક છે. આમ છતાં તમે પોલીસ સાથે જે વ્યવહાર કર્યો તે જરા પણ વાજબી નથી, તમે તો પોતે તો સત્તાધારી પક્ષના નેતા છો, જેના કારણે તમારી વિશેષ જવાબદારી થાય છે. કદાચ તમારી દલિલ હશે કો ફરજ ઉપરના પોલીસ અધિકારીઓ તમારી વાત સાંભળી ના હોય, તમારી સાથે દુરવ્યવહાર કર્યો હોય અથવા કોંગ્રેસના કાર્યકરોનો પક્ષ લીધો હોય તો પણ તમે જે કઈક કર્યું તેને ન્યાયી ઠેરવી શકાય તેમ નથી.
હું પોલીસનો પક્ષ લેતો નથી, પત્રકાર તરીકે મેં પોલીસને અસંખ્ય વખત લોકો સાથે ક્રુરતાપુર્વક દુરવ્યવહાર કરતી જાઈ છે, અનેક વખત હું પોતે પણ પોલીસના આ વ્યવહારનો ભોગ બન્યો છું, તેમ છતાં કેટલાંક ખોટા પોલીસ અધિકારીઓને કારણે સમગ્ર પોલીસ ફોર્સને એક ડંડો હાંકી શકાય નહીં તેવું મને સમજાયું છે. પોલીસ ખોટો વ્યવહાર કરે ત્યારે સામાન્ય માણસ અથવા વિરોધપક્ષના કાર્યકર તો કઈ કરી શકતા નથી પણ તમે તો સત્તા સાથે જાડાયેલા છો. એક તબ્બકે માની લઈ કે પોલીસ ખોટું કરી રહી હતી તો તમારી પાસે તો ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને ફરિયાદ કરી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાનો વિકલ્પ હતો અને તેવું તમે બોલ્યા વગર પણ કરી શકતા હતા, પણ તમે તેવું કર્યું નહીં, તેના બદલે તમે તમારી સાથે રહેલા પાંચ-પચ્ચીસ કાર્યકરો સામે વટ મારવા માટે પોલીસના પટ્ટા ઉતારી લેવાની ધમકી આપી હતી.
હું એક મિત્ર તરીકે વિનંતી કરૂ છું કે, પોલીસ ખોટું કરે ત્યારે તેને હરગીજ માફ કરી શકાય નહીં કારણ જેમણે કાયદાનો અમલ કરાવવાનો છે તે કાયદો તોડે ત્યારે તેને સજા મળવી જોઈએ, પણ દરેક માણસને પોતાનું સ્વમાન હોય છે. ખાસ કરી જેમની પાસે પૈસા હોતા નથી તેમનું સ્વમાન બીજા કરતા થોડુક વધારે હોય છે અને જ્યારે જેના શરિર ઉપર ખાખી છે તેનો વાંક ના હોય ત્યારે તેનું સ્વમાન હણવાનો પ્રયત્ન કરશો નહીં, દરેકની એક મર્યાદા હોય છે. રાજનેતાઓ પોલીસની બદલી કરાવી શકે છે અને બદલી થાય ત્યારે પોલીસનો પરિવાર પરેશાન થાય છે. તેના કારણે પોલીસ ગમ ખાય છે, પણ તેના મૌનને તેની કાયરતા સમજવાની ભુલ કરશો નહીં. ૧૯૯૮માં ગુજરાતમાં ભાજપની જ સરકાર હતી, ભાજપના તત્કાલીન ધારાસભ્ય યતીન ઓઝાએ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પોલીસને સરેઆમ ગાળો ભાંડી હતી.
નાના પોલીસ અધિકારીઓ સમસમી ગયા પણ શું કરે કારણ તેઓ નાના હતા, પણ જે પોલીસ અધિકારીઓ પોસ્ટીંગ અને પગાર ઉપરના પૈસાની પરવા કરતા નથી તેમનાથી ગાળો સહન થઈ નહીં, ત્યાં હાજર હતા આઈપીએસ અતુલ કરવાલ, એ કે સુરોલીયા, સતીષ વર્મા અને પી કે ઝા પછી જે કઈ થયું તેનો ઉલ્લેખ હું અહીંયા કરતો નથી, પણ પ્રત્યેક શીયાળાની સીઝનમાં યતીનભાઈને તે દિવસો યાદ આવી જતા હશે. તમારી સાથે પણ એક પોલીસનો સુરક્ષા જવાન છે, તમારી સલામતીની ચિંતા તેનો વિષય છે. તમે વિચાર કરો કે જા કોઈ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે અને તમારો સુરક્ષા જવાન હટી જાય તો તમારી સાથે શું થઈ શકે, તમારી, મારી અને આપણી સુરક્ષાની જવાબદારી તેમની છે, તે ભુલ કરે ત્યારે તેમને કાયદામાં રહી દંડો પણ તેમનું જાહેરમાં અપમાન કરશો નહીં કારણ જેઓ ભ્રષ્ટ નથી તેમની અપમાન સહન કરવાની એક મર્યાદા હોય છે. મેં પોલીસ જવાનોને જાહેરમાં ગાળો આપનાર પોલીસ અધિકારીઓ અને રાજનેતાની ધોલાઈ થતી જાઈ છે.
એક વખત પોલીસની બદલી અને સસ્પેન્ડ થવાનો ડર જતો રહ્યો તો ઘણો અનર્થ થશે, તમે સરકારનો હિસ્સો છો ક્યારેક તેમના સારા કામની પ્રસંશા થાય તેવા પ્રયાસ કરો, સત્તા કાયમી નથી, ગુજરાતમાં અડધો ડઝન કરતા વધારે ભૂતપુર્વ ગૃહમંત્રીઓ ફરે છે તેમને કોઈ ભુત ભાઈ પણ પુછતુ નથી, સત્તામાં ના હોય ત્યારે પણ તમે સામે મળનાર પોલીસ જવાન અથવા સરકારી કર્મચારી આદર આપેતેવો વ્યવહાર આજે કરવાની જરૂર છે, તમારો ઉછેર ભાજપ સત્તામાં આવ્યું તે કાળમાં થયો છે. તમે વિરોધ પક્ષમાં હોવ તેવી તમે હજી કલ્પના જ કરી નથી. તમે મારા મિત્ર છો થોડુંક પોતાને સાચવી લો બસ એટલી જ વિનંતી છે. બાકી બધુ નિયતીને આધીન થતું રહેશે, પરિવારમાં બધાને મારી યાદ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY