પાડાના વાકે પખાલીને ડામ, રૂપાણી સરકારનું નવું ગતકડુંઃ ચકડોળ વાળા ચગડોળે ચડયા….!!
અમદાવાદના કાંકરિયા ખાતે બનેલ રાઈડની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી ગઇ છે અને રાજ્યભરમાં મનોરંજન કાર્યક્રમ માટેના વિવિધ ધાર્મિક તહેવારો કે શાળા-કોલેજના વેકેશન દરમિયાન હંગામી ધોરણે આનંદ મેળાઓ ઉભા કરવામાં આવતા હોય છે. જેમાં લોકોને આનંદ પ્રમોદ માટે વિવિધ સાધનો જેવા કે ચકડોળ, વિવિધ પ્રકારની રાઈડ, મોતના કૂવા સહિતના યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. અને આવા કાર્યક્રમો યોજવા માટે સરકારના વિવિધ સબંધિત વિભાગો તેમજ સ્થાનિક સરકારી તંત્ર પાસેથી મંજૂરીઓ લેવામાં આવે છે. અને તંત્ર પણ મંજૂરીઓ આપી દેતી હતી. તેમાંય ખાસ કરીને લોકોત્સવો વખતે આવા આનંદ મેળાઓ હંગામી ધોરણે સમયમર્યાદા સુધી જ ઉભા કરવામાં આવતા હોય છે. પરંતુ કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાની બનેલી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે આવા આનંદ મેળાઓ યોજવા માટેના નીતિ નિયમો કડક બનાવી દીધા છે. જેમાં અગત્યનો નિયમ એ છે કે રાઈડના યાંત્રિક સાધનો માટે તેના ઓપરેટર ની લાયકાત અને અનુભવ માટેનું (મૂળ ઓઈએમ નો દાખલો) તેમજ અધિકૃત રાઈડનું ઇન્સ્ટોલેશન અંગેનુ અધિકૃત કરેલ ડ્રોઈગની વિગતો ઉપરાંત અન્ય જુદાજુદા નિયમો નક્કી કરેલ છે. ત્યારે સવાલ એ છે કે દેશભરમાં એક પણ નવી સરકારી માન્ય તાલીમ સંસ્થા છે કે જે લોકમેળા કે મનોરંજન મેળામાં ઉપયોગમાં લેવાતાં રાઈડ, વોટર બોટ, સલમ્બો,ડ્રેગ ટેલ્સ,પીગી ટ્રેઈન મારુતિ સર્કલ એટલે કે મોતનોકુવો, જાયન્ટ વ્હીલ્સ,મોટર રાઇડ,જોઈન્ટ પીલ,ડ્રેગર ટ્રેન અંગેની તાલીમ કે અભ્યાસક્રમ કરાવતી હોય કે આપતી હોય….? ખરેખર તો રાજ્યમાં આઈ ટી આઈ જેવી એક પણ સંસ્થા કે શાળા આવા આનંદના સાધનોનો અભ્યાસ આપતી નથી જે એક તદ્દન નગ્ન અને સત્ય હકીકત છે….!!
કાંકરિયાની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નવા નીતિ નિયમો જાહેર કર્યા છે. જે અનુસાર ડીઝલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર સંચાલિત વિવિધ રાઈડો ઉપર રાઈડનું નામ અને પ્રકાર, ઉત્પાદક કંપનીનું નામ, મોડલ, રાઈડની આયુષ્ય મર્યાદા (ઉત્પાદક કંપની દ્વારા અધિકૃત કરેલ) રાયડનો થયેલ કુલ વપરાશ, અધિકૃત કરેલ રાઇડના ઇન્સ્ટોલેશન અંગેની અધિકૃત કરેલ ડ્રોઈંગની વિગતો, સક્ષમ અધિકૃત સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ ડિઝાઇનની વિગતો, છેલ્લે કરેલ મરામતની વિગતો, રાઇડમાં કરેલ ફેલફારની વિગતો (જો કરેલ હોય તો સક્ષમ અધિકૃત સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ હોવી જોઈએ) મૂળ ઓ ઈ એમ દ્વારા સૂચિત રાઈડ ઓપરેટરની લાયકાત અને અનુભવ અને રાઇડની માલિકી-ભાડા કરાર તથા લીઝ અંગેના આધાર પુરાવા જેવા આકરા નિયમો બનાવ્યા છે.
આ નિયમો ઉપરાંત સ્થાનિક પોલીસ, મામલતદાર, ઇલેક્ટ્રિક કંપની વગેરેની મંજૂરી પણ હોવા જરૂરી છે્ તદુપરાંત માલિક સંચાલકે સંપૂર્ણ ખાનગી સુરક્ષા વ્યવસ્થા કરવાની રહેશે, ફાયર સેફટી માટે ૪. ૫ કિલોગ્રામના એક્સ્ટીગ્વીસર પૂરતા પ્રમાણમાં મૂકવાના રહેશે જે ચાલુ હાલતમાં હોવા જોઈએ, તેમજ પ્રેક્ષકોને પ્રવેશ આપતા પહેલા હેન્ડ મેટલ ડિટેક્ટર કે વોકિંગ મેટલ ડિટેક્ટર દ્વારા દરેકની ચકાસણી કરવાની રહેશે તેમજ કાર્યક્રમ સ્થળથી દુર વાહન પાર્િંકગની વ્યવસ્થા કરવાની. જેવા કડક નિયમો અને મેળાની સમયમર્યાદા તથા ધ્વની પ્રદુષણ નક્કી કરેલ છે. જે ખરેખર જરૂરી પણ છે.
મૂળ અગત્યની વાત એ છે કે જેમાં વિવિધ ધાર્મીક તહેવારો આવતા હોય છે અને તે સમયમાં રાજ્યમા અનેક સ્થળોએ મેળાઓ યોજાતા હોય છે. જે પરંપરાગત પ્રણાલી ચાલી આવી છે. લોકો લોકમેળામાં જઈ ને આનંદ પ્રમોદ કરતા હોય છે જેમાં મહિલાઓ અને બાળકો વધુ પ્રમાણમાં હોય છે. તો જ્યારથી મેળાઓ શરૂ થયા ત્યારથી નવા નવા આનંદ આપતા વિવિધ સાધનો ઉમેરાતા ગયા જેમા ડીઝલ એન્જીનથી તેમજ ઈલેક્ટ્રીકથી ચાલતા સાધનોનો પણ સમાવેશ થાય છે. આવા સાધનોની શરૂઆત થઈ ત્યારથી જે તે સંબધિત પરિવારની પરંપરા રહી છે કે પોતે પોતાના સંતાનોને આ સાધનો ચલાવવાની, રીપેરીંગ કરવાની, ડીઝલ એન્જિન ચલાવવા. ઈલેક્ટ્રીક ઉપયોગથી ચલાવાતા મનોરંજન સાધનો સહિતની તાલીમ પ્રેક્ટીકલ રીતે આપતા હોય છે જેથી તેઓને ઓછી તકલીફ રહે છે. પરંતુ ધંધાર્થી માલિકો કર્મચારીઓ રાખીને તેમના દ્વારા વિવિધ રાઈડો તેમજ અન્ય સાધનો ચલાવરાવે છે કે ઓપરેટીગ કરાવતા હોય છે ત્યાં આવી દુર્ઘટનાઓ બને છે. ત્યારે સરકારે વારસાગત ચાલી આવતી યાંત્રિક તાલીમ અંગે વિચારવું જરૂરી છે…. અથવા લોક મનોરંજનના વિવિધ રાઈડ જેવા સાધનોની તાલીમ સંસ્થા કે અભ્યાસક્રમ શરૂ કરાવવો જોઈએ….!?અને તો જ દુર્ઘટનાઓ અટકે…!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



