બાડમેર,તા.૨૧
ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ બોર્ડર પર ત્રાટકનારા તીડનાં ઝુંડથી બચવા માટે મુલાકાત કરી હતી. ૧૯૯૩ બાદ તીડના ટોળાંઓનો આ સૌથી મોટો હુમલો હોવાનું કહેવાય રહ્યું છે. એવી પણ શક્યતા છે કે બંને દેશો સંયુક્ત રીતે આ મુશ્કેલીનો સામનો કરશે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે મુનાબો ગામમાં અંદાજે ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ સંકટથી બચવાના મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી. બુધવારે બોર્ડર પર આવેલાં તમામ જિલ્લાઓને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું.
ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા મહિને પાકિસ્તાન બોર્ડર નજીક જેસલમેરનાં કેટલાંક ગામોમાં તીડના ઝુંડની સક્રિયતાના નિશાન મળ્યા હતા. ત્યાર પછી જોધપુરમાં તીડ ચેતવણી સંગઠનની ઓફિસે આનાથી બચવા માટે સર્વે કરાવ્યો હતો.
તીડ ચેતવણી વિભાગના અધિકારી મહેશ ચંદ્રે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ૨૬ વર્ષ પછી તીડનાં ઝુંડનો ખતરો આટલા મોટાપાયે ઉભો થયો છે. જોકે, જેસલમેરમાં પહેલાં પણ આ ઝુંડ જોવા મળ્યા હતા. આ પાકિસ્તાનથી આવે છે અને ભારતના બાડમેર, જેસલમેર, બિકાનેર અને સૂરતગઢ વિસ્તારોમાં ફેલાઈ જાય છે.
અધિકારીએ જણાવ્યું હતું કે તીડના ઝુંડથી બચવા માટે મેલાથિયલન (એક પેસ્ટિસાઇડ)નો ઉપયોગ થાય છે. તીડ ચેતવણી સંગઠન તમામ સંસાધનો સાથે તૈયાર છે. ટીમો જગ્યાએ પહોંચી ગઈ છે. સામાન્ય રીતે તીડના ઝુંડ જૂન અને જુલાઈના મહિનાથી જોવા મળે છે. આ દરમિયાન તે ઝડપથી સક્રિય થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



