અમદાવાદ,તા.૨૯
શહેરના દાણીલીમડા વિસ્તારમાં પોતાની બહેન સાથે ચાર વર્ષથી ગળાડૂબ પ્રેમમાં પડેલા પ્રેમી યુવકને યુવતીના ભાઇએ ધોળા દિવસે છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બહેનના પ્રેમીની હત્યા કરનાર ભાઇ શકીલ અન્સારીની ધરપકડ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. દાણીલીમડામાં આવેલ આઝાદનગરમાં રહેતા શાહરુખ મન્સૂરીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આરોપી શકીલ અન્સારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. શાહરુખનો ૨૨ વર્ષનો ભાઇ ઇમરાન ઉર્ફે સાયમન્ડ મન્સૂરી દાણીલીમડાના એવન નગરમાં રહેતી એક યુવતીને છેલ્લા ચાર વર્ષથી પ્રેમ કરતો હતો. આ પ્રેમથી યુવતીના ભાઇ શકીલ અન્સારીને વાંધો હતો. શકીલ અંસારી છેલ્લા ઘણા સમયથી ઇમરાનને તેની બહેનથી દૂર રહેવા માટે ધમકી આપતો હતો. શકીલ અવારનવાર ઇમરાનને મળતો હતો અને તેની બહેનને ભૂલી જવા માટે કહતો હતો. શકીલ અને ઇમરાન વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થઇ હતી. ગઇકાલે બેરલ માર્કેટ પાસે ખજૂરીના ઝાડ પાસે ઇમરાન ઉભો હતો ત્યારે શકીલ તેની પાસે આવ્યો હતો. શકીલે ફરી એકવાર તેની બહેન સાથે કોઇ સંબંધ નહીં રાખવા ઇમરાનને જણાવ્યું હતું. બન્ને વચ્ચે થયેલી બબાલમાં શકીલ ઉશ્કેરાયો હતો અને પોતાનું બાઇક લઇને જતો રહ્યો હતો. થોડાક સમય બાદ શકીલ પરત આવ્યો હતો અને ઇમરાન કાંઇ બોલે તે પહેલાં તેના પર ઉપરાછાપરી છરીના ધા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. ઇમરાનના પેટમાં ચારથી પાંચ છરીના ધા વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો જ્યારે શકીલ ફરાર થઇ ગયો હતો. આ ઘટના જોઇને સ્થાનિકો દોડી આવ્યા હતા અને લોહીથી લથપથ થયેલા ઇમરાનને સારવાર માટે ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇમરાન હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ દાણીલીમડા પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દાણીલીમડા પોલીસે શકીલ અન્સારી વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




