બીડ,તા.૧૯
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષોમાં ૪,૬૦૫ મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં આ જાણકારી આપી હતી. શિંદેએ જણાવ્યું કે,સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચવામાં આવેલી એક સમિતિ ગર્ભાશય કાઢવાના મામલાની તપાસ કરશે.
શિવસેના ધારાસભ્ય નીલમ ગોર્હેએ વિધાન પરિષદમાં આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, બીડ જિલ્લામાં શેરડીના ખેતરમાં કામ કરનારી મહિલાઓના ગર્ભાશય કઢાયા છે, જેથી તેમના કામમાં કચાશ ન આવી શકે.
શિંદેએ ગૃહને જણાવ્યું કે, જિલ્લામાં નોર્મલ ડિલીવરીની સંખ્યા સિઝેરિયનની સંખ્યા ઘણી વધારે છે. બીડ જિલ્લાના સિવિલ સર્જનની અધ્યક્ષતા માં રચાયેલી સમિતિએ તપાસ કરી તો આ પ્રકારના ઓપરેશન ૨૦૧૬-૧૭થી ૨૦૧૮-૧૯ વચ્ચે ૯૯ સામાન્ય હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. તેમને કહ્યું કે, જે મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા છે, તેમાથી મોટા ભાગની મહિલાઓ શેરડીના ખેતરમાં કામ કરતી મહિલાઓ છે.
મુખ્ય સચિવની નેતૃત્વવાળી સમિતિમાં ૩ ગાયનોકોલોજિસ્ટ અને મહિલા ધારાસભ્યો પણ હશે. સમિતિ બે મહિનામાં તેમનો રિપોર્ટ રજૂ કરશે. રાજ્ય સરકારે તમામ ડોક્ટરોને આદેશ કર્યો હતો કે તે બિનજરૂરી રીતે ગર્ભાશય ન કાઢે. રાષ્ટ્રીય મહિલા પંચે એપ્રિલમાં આ મામલો સામે આવ્યા બાદ રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



