ભરૂચ,તા.૧૭
દહેજની ઇજેક લિમિટેડ કંપનીના પ્રેસર વેસલ પ્લાન્ટમાં એક યુવાનને ગેસ લાગતાં મોત નીપજ્યું છે. યુવાનના મોતથી પરિવારજનોમાં માતમનો માહોલ છવાયો છે. જોકે કંપની દ્વારા સેફ્ટી વગર કામ કરવવામાં આવતુ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. જેને પગલે કંપની સંચાલકો સામે લોકોમાં રોષ ફેલાયો છે.
દહેજ ખાતે આવેલી ઇજેક લિમિટેડ કંપનીમાં ભરૂચ શેરપુરાના ખુરશીદ પાર્કમાં રહેતા તોફિક ઐયુબભાઈ ખીલજી છેલ્લા ૫ વર્ષથી ફરજ બજાવે છે. તેઓ શુક્રવારે સવારે ફર્સ્ટ શિફ્ટમાં કંપનીમાં ફરજ પર ગયા હતા. તે દરમિયાન કંપનીમાં આવેલા વેસલ પ્લાન્ટમાં મેન્ટેનન્સનું કામ કરવા ગયેલા તોફિકને ગેસની અસર થતાં તેની તબિયત લથડી હતી. જેથી તેને કંપની દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતાં. તોફિકના મોતથી પરિવારજનોમાં માતમનો માહોલ છવાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




