દાહોદ,તા.૧૭
ગુજરાતમાંથી મધ્ય પ્રદેશ જવા માટે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની દાહોદથી ગણતરીની બસો ચાલે છે. તેમાં સુરત-પીટોલ બસની પરમિટ પૂર્ણ થઇ ગયુ હોવા છતાં તે દોડાવાતી હોવાનું પીટોલ પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું. આ મામલે આરટીઓ દ્વારા ૬૪ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પરમિટ જ નહોતી તો કોના લાભ માટે આ બસ દોડાવવામાં આવતી હતી તે તપાસનો વિષય બન્યો છે.
દાહોદ ડેપોની જીજે-૧૮-ઝેડ-૪૧૧૩ નંબરની એસ.ટી બસ દાહોદથી સાંજના ૪.૧૫ વાગ્યે મધ્ય પ્રદેશના પીટોલ મોકલીને ત્યાંથી સુરત મોકલવામાં આવતી હતી. મધ્ય પ્રદેશના મજુરોનો ફુલ ટ્રાફિક આ બસને મળતો હતો. મધ્યપ્રદેશમાં બસ મોકલવા માટે ત્યાંની પરમિટ જરૂરી હોય છે. આ બસની પરમિટ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં તે દોડાવાતી હતી. પીટોલમાં નેશનલ હાઇવે પાસે ઉભી રાખીને તેમાં મુસાફરો ભરવામાં આવતાં હતાં.
બસ સરકારી હોવાથી તેનું ચેકિંગ કરાતું ન હતુ પરંતુ કોઇ કારણોસર પીટોલ ટ્રાફિક પોલીસે કાગળો ચેક કરતાં તે ચોંકી ઉઠયા હતાં. આ પ્રકરણ આટીઓમાં મોકલવામાં આવતાં પરમિટ જ ન હોવાથી ૬૪ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઝાબુઆના આરટીઓ રાજેશકુમાર ગુપ્તાએ જણાવ્યુ હતું કે, અધુરા દસ્તાવેજોને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. તેની સામે દાહોદ એસ.ટીના જવાબદારો પરમિટ રિન્યુ કરવા મોકલી હોવાનું જણાવી રહ્યા છે. તે પરમિટ હાથમાં આવ્યું ન હોવા છતાં બસ કોના લાભ માટે ચાલુ રખાઇ હતી તે તપાસનો વિષય બન્યો છે. ડેપોના અધિકારીઓની ભુલથી સરકારને ચુનો ચોપડાશે તેમ જોવાઇ રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


