ભાવનગર,તા.૫
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા પટેલ આધેડ લાઠીથી અડધા કરોડ જેટલી કિંમતના હીરાના પડીકા સહિતનો મુદ્દામાલ ભરેલો થેલો લઈ ભાવનગર આવી રહ્યા હતા ત્યારે ભાવનગર-રાજકોટ હાઈવે પરના ઈશ્વરિયા નજીક શેરડીનો રસ પીવાના બહાને આધેડને કારમાંથી નીચે ઉતારી બે શખસ હીરાના પડીકા ભરેલો થેલો લઈ નાસી જતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા બન્ને શખસને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરી હતી.
ચકચાર મચાવનાર ઘટનાની મળતી વિગત અનુસાર શહેરના ચિત્રા, ગણેશનગરમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે જાડાયેલા ભીમજીભાઈ કાળુભાઈ ભીકડીયા (ઉ.વ.૪૬) આજે શનિવારે બપોરે બે વાગ્યા આસપાસ અમરેલીના લાઠીથી આશરે ૪૩ થી ૪૫ લાખ રૂપિયાની કિંમતના હીરાના પડીકા ભરેલો થેલો લઈ ભાવનગર આવવા નીકળ્યા હતા.
લાઠીથી તેઓ ભાવનગર સુધીનું ૫૦ રૂપિયા ભાડુ નક્કી કરીને એક લાલ કલરની કારમાં બેઠા હતા. દરમિયાનમાં આ કાર ભાવનગર-રાજકોટ રોડ પર આવેલા ઈશ્વરિયાના પાટિયા નજીક પહોંચતા કારના ચાલકે શેરડીનો રસ પીવાના બહાને કાર થંભાવી હતી. જેથી ભીમજીભાઈ ભીકડીયા શેરડીનો રસ પીવા માટે કારમાંથી નીચે ઉતાર્યો હતા. ત્યારે પોતાનો ઈરાદો પાર પાડતા જોઈ કારચાલક અને તેની સાથેનો અન્ય એક શખસ તક મળતા જ હીરાના પડીકા ભરેલો થેલો લઈ કારને હંકારી નાસી છુટયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



