ભોપાલ,તા.૧૯
મધ્ય પ્રદેશમાં ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ દિગ્વિજયસિંહ સામે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મુંબઇ હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને લઇને અત્યંત વિવાદિત નિવેદન આપ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, “કરકરે એ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં મને ખોટી રીતે ફસાવી હતી, મે તેમને કહ્યું હતું તે તમારો વંશ પુરો થઇ જશે, તેઓ પોતાના કર્મોના કારણે મર્યા છે. આ પછીના માત્ર ૪૫ દિવસમાં જ આંતંકીઓએ તેમનો અંત આણ્યો.
ભોપાલ બેઠકથી ટિકિટ મળ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા પહેલીવાર મીડિયા સામે આવ્યા હતા અને તેમણે આ ચૌંકાવનારુ નિવેદન આપ્યું છે. પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો છે કે હેમંત કરકરેએ મારી સાથે દુરવ્યવહાર કર્યો અને ખોટી રીતે મને ફસાવી હતી.
ભોપાલમાં માધ્યમો સાથેની વાતચીતમાં સાધ્વી પ્રજ્ઞાને કહ્યુ હતું કે, “મુંબઈ એટીએસ મને ૧૦ ઓક્ટોબર, ૨૦૦૮માં સુરત થી મુંબઈ લઇ ગઈ હતી. અહીં ૧૩ મને બંધક બનાવી રાખી હતી. આ દરમિયાન એટીએસના પુરુષ કર્મચારીઓએ મને ભારે પીડા આપી હતી. પૂર્વ એટીએસ ચીફ હેમંત કરકરેને સન્યાસીઓનો શ્રાપ લાગ્યો અને મારા જેલવાસના ૪૫ દિવસ બાદ જ તે ૨૬/૧૧ આતંકી હુમલાનો શિકાર બન્યા.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જામીન ઉપર છૂટ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ અને એટીએસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. સાધ્વીના આરોપ હતા કે કોંગ્રેસ દ્વારા તેને પૂર્ણ રીતે ખતમ કરી નાખવાનું કાવતરું રચવામાં આવ્યું હતું સાધ્વીને ખુબ ત્રાસ આપવા માટે સાધ્વીએ એટીએસ ઉપર આરોપ લગાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



