ખેતરમાં વેધર બલૂન પડતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું

0
14

ભુજ,તા.૧૮
રાપર તાલુકાના ફતેહગઢ ગામની સીમમાં સવારે એક ખેતરમાં વેધર બલૂન નીચે પડતાં લોકોમાં થોડીકવાર માટે ગભરાટ અને કુતૂહલ ફેલાયું હતું. જો કે, જાણકાર માણસોએ આ વેધર બલૂન હોવાનું જણાવતાં લોકોને હાશ થઈ હતી અને પછી તો યુવાનો ફુગ્ગાને ફુલાવીને મસ્તી કરવા માંડયા હતા! ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે, હવામાન કેન્દ્રો દ્વારા હવાના ઉપલા સ્તરમાં પવનની ઝડપ, ભેજ, દિશા, દબાણ, તાપમાન વગેરેનું માપન કરવા માટે દરરોજ વેધર બલૂન છોડવામાં આવતા હોય છે. આ બલૂન પણ ભુજ હવામાન કચેરીનું હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે એકવાર આકાશમાં છોડયા બાદ આ બલૂન નીચે આવે ત્યારે તે કોઈ કામનું રહેતું નથી.
બલૂનમાં હાઈડ્રોજન વાયુ ભરીને તેને આકાશમાં છોડવામાં આવે છે અને તે આકાશમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચતું હોય છે. રેડિયો ફ્રિકવન્સી પર કામ કરતું બલૂન એકવાર ડેટા ટ્રાન્સમિટ કરી દે પછી તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. હવામાન કેન્દ્રો દ્વારા દરરોજ આ પ્રકારના બલૂન છોડાય છે. અંદાજે બસ્સોથી ત્રણસો ગ્રામના એક બલૂનની કિંમત અંદાજે ૫થી ૬ હજાર રૂપિયા થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY