દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં છે : સીએમ રૂપાણી

0
25

બોટાદ,તા.૯
બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે નવનિર્મિત ધર્મનંદન સરોવર ખાતે જળ વધામણાં કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે બે આંકડાઓની ચર્ચા સમગ્ર દેશમાં છે. એક તો કાશ્મીરમાંથી નાબૂદ કરેલી ૩૭૦ની કલમ અને આવનારા દિવસોમાં નર્મદા ડેમની ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી ૭૦ વર્ષ સુધી પાણી માટે ગુજરાતે અનહદ સંઘર્ષ કર્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી આજે ઐતિહાસિક સપાટીએ છે અને થોડાક દિવસોમાં ૧૩૮ મીટરની સપાટી પર પહોંચશે અને સમગ્ર ગુજરાતને પાણીદાર બનાવશે. નર્મદા ડેમના ચણાયેલ દરવાજાઓએ ગુજરાતના વિકાસના દરવાજા ખોલ્યા છે.
સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના લગભગ ૧૧૫ જેટલા ડેમ નર્મદાના નીરથી છલકાવવામાં આવ્યા છે જેના થકી સૌરાષ્ટ્રમાં ફરીથી લીલીછમ ચાદર પથરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્રની બહેનોને બે બેડાં પાણી માટે વલખા મારવા પડતા હતા. પરંતુ આજે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી પાણી ગામે-ગામ પહોંચ્યું છે. તાજેતરમાં જ નર્મદાના પાણી થકી કચ્છ જિલ્લાના ટપ્પર ડેમને ઓવરફ્લો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે જો સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી અને વીજળી નિયમિત મળી રહે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY