છોટાઉદેપુર,તા.૧૦
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ખોખરા વસાહતમાં રહેતી સુમિત્રાબેન તડવીના લગ્ન થયા બાદ છુટ્ટાછેડા થયા હતા. ત્યારબાદ વિજયભાઇ રામાભાઇ તડવી (રહે.વાડી, તા.ગરુડેશ્વર જી.નર્મદા) સાથે પ્રેમ થઇ જતા પ્રેમલગ્ન કર્યાં હતા. વિજય તડવી, પત્ની સુમિત્રાબેન અને સુરેશ નામનો વ્યક્તિ મોરબી ખાતે મજૂરી કામ માટે ગયા હતા, ત્યાંથી ૧૧ એપ્રિલ-૨૦૧૮ના રોજ પરત આવ્યા હતા. ત્યારબાદ સુમિત્રાનો પતિ વિજય ફરીથી મોરબી જતો રહ્યો હતો અને સુમિત્રા તેના પિતાના ઘરે રોકાઇ હતી. સુમિત્રાએ તેના પિતાને કહ્યું હતું કે, તેનો પતિ વિજય તેને આડા સંબંધનો વહેમ રાખીને અવાર-નવાર મારઝુડ કરે છે. આ દરમિયાન વિજય તડવી પોતાની સાસરીમાં આવ્યો હતો અને પત્ની સુમિત્રાને તેડી જવાનું કહ્યું હતું. પણ સુમિત્રાએ વિજય સાથે જવાની ના પાડી હતી.
સુમિત્રા રાત્રે તેની ભાભી સાથે અગાશીમાં સૂવા માટે ગઇ હતી. રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે સુમિત્રાના કાકાના છોકરા અને તેની પત્નીએ બૂમાબૂમ કરતા બધા જાગી ગયા અને જોયું તો વિજય કુહાડી લઇને ભાગતો હતો. વિજયે સુમિત્રાને ડાબા કાનની નીચે તથા ગળાના ભાગે કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. સુમિત્રાના પિતા લક્ષ્મણભાઇ પુનાભાઇ તડવીએ જમાઇ વિજયભાઇ રામાભાઇ તડવી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
આ બાબતનો કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.એસ.પરમારની દલીલોને ગ્રાહ્ય રાખીને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીએ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, બહુજન સમાજના હિતને ધ્યાને રાખીને આવા ગુનેગારોને સહજ રીતે છોડી શકાય નહી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


