કોલંબો,તા.૨૯
કોલંબોનાં પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને ૭ વિકેટથી હરાવીને ૪૪ વર્ષ બાદ પોતાના ઘર પર વન ડે સીરીઝ જીતી. શ્રીલંકાની આ જીતમાં આૅપનર અવિષ્કા ફર્નાન્ડોએ મોટુ યોગદાન આપ્યું. તેણે ૮૨ રન બનાવ્યા, જેના માટે તેને ‘મેન આૅફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો. જો કે મેચ દરમિયાન અવિષ્કા ફર્નાન્ડોનાં પિતાની સાથે એક અકસ્માત થયો. અવિષ્કાનાં પિતા તેમના દીકરાની બેટિંગ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. અવિષ્કાનાં પિતાને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
અવિષ્કાનાં પિતાની સાથે જે સમયે આ અકસ્માત થયો તે સમયે તે બેટિંગ કરી રહ્યો હતો. શ્રીલંકાઈ ટીમનાં કોઈપણ ખેલાડીએ તેને આ વાતની જાણ કરી નહીં. જા કે જ્યારે તે આઉટ થઇને પેવેલિયન જઇ રહ્યો હતો તો તેને આ વાતની જાણ થઈ. અવિષ્કાનાં પિતા અત્યારે ઠીક છે. તેઓ અત્યારે હોસ્પિટલમાં છે. તેમને ડાયાબિટિસ છે, જેના કારણે તેઓ બેભાન થઇ ગયા હતા.
મેચ બાદ અવિષ્કાએ મીડિયાને જણાવ્યું કે, તેને પિતાની તબિયત ખરાબ હોવાની જાણકારી મળી હતી. અવિષ્કાએ કહ્યું કે, “હું ક્રીઝ પર હતો અને મને નહોતી ખબર કે મારા પિતા બેભાન થયા છે. મને આઉટ થયા બાદ તેમની તબિયત ખરાબ હોવાની જાણ થઇ.” મેચ વિશે અવિષ્કાએ કહ્યું કે, “મને સદી ચુક્યાનો અફસોસ નથી. મારા માટે ટીમ જીતી તે મોટી વાત છે.” શ્રીલંકાએ બીજી મેચમાં બાંગ્લાદેશને ૭ વિકેટે હરાવીને ૩ મેચની સીરીઝમાં ૨-૦ની સરસાઈ મેળવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



