દાહોદ,તા.૨૯
દાહોદ જિલ્લાના સંજેલી નજીક આવેલા તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની અને ૪ બાળકો સહિત એક જ પરિવારના ૬ સભ્યોની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. સંજેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ ગામ લોકોના ટોળેટોળા એકત્રીત થઇ ગયા હતા.
દાહોદના એસ.પી. હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જોકે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને આ મામલે તપાસ કરી રહી છે.
તરકડા મહુડી ગામમાં રહેતો આદિવાસી પરિવાર મજૂરી કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણવા મળ્યુ છે. પાંચ મૃતદેહ ગામના કાચા મકાનમાંથી મળી આવ્યા છે, જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે.
ઘટના સ્થળે પહોંચેલી સંજેલી પોલીસે હત્યાકાંડની તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યાકાંડ સર્જાયાની પોલીસને આશંકા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગ્રામજનો અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





