ડાંગ,તા.૩૦
રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ક્યાંક પાણી ભરાયા છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તો ડાંગના ૧૭ કોઝવે ઉપર પાણી ફરી વળતા ૩૦થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. જેને કારણે લોકો જીવનના જોખમે પુલ પસાર કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે ધોડવહળ, સુપદહાડ, આંબાપાડા, કુમારબંધ, ચીખલદા, સુસરદા, ધૂળચોંડ, ગાયખાસ, ચવડવેલ, ચોકયાં, દબાસ, માછળી, બોરપાડા, સતિવાગણ, લિંગા, કોસંબીયા અને પાંડવા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે ૫૯ ગામો વીજળી વિહોણા બન્યા છે. તો બીજી તરફ, નવસારીના ગણદેવીના વેગણીયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા ગણદેવી બીલીમોરાનો શોર્ટકટ માર્ગ બંધ થયો છે. તો ઉપરવાસમાં વરસાદ બંધ થતાં નદીમાં પાણીના સ્તર ઘટયા છે.
રાજ્યમાં વરસાદી માહોલ છે, તો વરસાદને પગલે ૯ તાલુકાના ૫૯ ગામો વિજળી વિહોણા બન્યા છે. સૌથી વધુ દેવભુમિ દ્વારકા ખાતે લાલપુરના ૧૩ ગામો વિજળી વિહોણાં છે. વલસાડના કાશ્મીર નગરમાં પાણી ભરાતાં ૯ વ્યક્તિને સ્થળાંતરિત કરી પ્રાથમિક શાળામાં ખસેડાયાં છે.
બોટાદના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. રાણપુર તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે ભાદર નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ૨૦૧૭માં પડેલ ભારે વરસાદ બાદ પુલ તૂટેલો હોઈ હાલ લોકોને ભાદરમાં પૂર આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થઈ સામાં કાંઠે જવા મજબૂર બન્યાં છે.
ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ૬ ઇંચ કરતા વધુ વરસાદ પડતાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે. વલ્લભીપુર શહેરમાં અનેક વિસ્તારોમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. તો ઘેલો નદીમાં નવા નીરની આવક પણ થઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



