ગાંધીનગર,તા.૩૧
આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પેટાચૂંટણી યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ૩૩માંથી ૨૯ બેઠક પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ચૂંટણીમાં ભવ્ય વિજય થતા મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટર પર ખુશી વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પેટાચૂંટણીના પરિણામ અંગે બે ટ્વીટર કર્યા હતા. પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું”ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ૩૩ માંથી ૨૯ સીટ પર ભાજપના ઉમેદવારોને જીતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર. આ ચૂંટણીનો ભવ્ય વિજય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની એક ઝલક છે.’
અમદાવાદ જીલ્લા પંચાયતની ૨ અને વિરામગામ તાલુકા પંચાયતની ૧ બેઠકોનાં પરિણામ સામે આવ્યા છે જેમાં અમદાવાદ જીલ્લા પંચાયતની ૨ બેઠકોની પેટા ચૂંટણીમા કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. જ્યારે વિરામગામ તાલુકા પંચાયતની એક બેઠક પર ભાજપનો વિજય થયો છે.
કુવાડવા બેઠક પર ભાજપનો વિજય
રાજકોટ તાલુકા પંચાયતની કુવાડવા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સરોજબેન પીપળીયાનો વિજય થયો છે. તેઓ ૯૨ મતે વિજય થયા છે. આ બેઠક પર સંદિપભાઇ ઢોલરિયાનું બીમારીના કારણે અવસાન થતા પેટાચૂંટણી યોજાય હતી. જેમાં ભાજપે આ સીટ જાળવી રાખી હતી. ઉલ્લેખનીય છે કે, બીજા ક્રમે અપક્ષ ઉમેદવાર પરેશ પાધરાએ બરાબરની ટક્કર આપી હતી.
કાકોશીમાં કોંગ્રેસે મેદાન માર્યું
સિદ્ધપુર તાલુકા પંચાયતની કાકોશી-૨ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર વર્ષાબેન ઠાકોરનો ૮૮૫ મતથી વિજય થયો છે. ત્યારે કોંગ્રેસની જીતના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
તિથોર બેઠક પર ભાજપનો વિજય
પાદરા તાલુકા પંચાયતની ખાલી પડેલી તિથોર બેઠક પર ભાજપનો વિજય થયો છે. પેટાચૂંટણીના પરિણામમાં ભાજપના ઉમેદવાર હરમાનભાઈએ ૭૦૦ મતથી વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના મહેશભાઈની હાર થઈ હતી.
કોંગ્રેસ પાસેથી ભાજપે આ બેઠક આંચકી
તો આ તરફ ખેરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ખેરગામ-૭ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ પાસેથી ભાજપે આ બેઠક આંચકી લીધી છે. ભાજપના ઉમેદવાર વિજય રાઠોડનો ૧૧૯ મતે વિજય થયો છે. ભાજપના કાર્યકરોએ ડીજેના તાલે વિજય સરઘસ કાઢી ખુશી વ્યક્ત કરી.
ધનશ્યામ ગઠમાં ભાજપનો ભગવો લહેરાયો
હળવદ તાલુકાપંચાયતની નવા ધનશ્યામ ગઠ પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. નવા ઘનશ્યામ ગઢની પેટા ચુંટણીમાં ભાજપના મનસુખભાઈ સવજીભાઈ માકાસણાએ ૩૨૪ મતે વિજય મેળવ્યો છે. પાંચ ગામમાં ૬ બુથ પર મતદાન થયું હતું. કુલ ૪૮૧૩ મતદારોમાંથી ૨૭૯૬ મતદારોએ મતદાન કર્યું હતું.
ઓગણમાં પણ ભાજપ જીત્યું
વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ ઓગણ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના વિષ્ણુભાઇ જાદવ ૧ હજાર ૩૮૪ મતે વિજય બન્યા છે.. પેટાચૂંટણીનું પરિણામ આવતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
મેઘરજમાં ભાજપે દબદબો જાળવ્યો
મેઘરજ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. બાઠીવાડા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર શાંતાબેન સીસોદીયા ૨ હજાર ૧૭૦ મતે વિજયી બન્યા. ત્યારે ભાજપના વિજયથી કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.
કાંસા બેઠક ભાજપે છિનવી
વિસનગર તાલુકા પંચાયતની કાંસા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપે કોંગ્રેસ પાસેથી કાંસા બેઠક આંચકી છે. ભાજપના ઉમેદવાર પ્રહલાદ પટેલની ૧ હજાર ૪૭૬ મતથી જીત થઈ છે. કાંસા સીટ પર પહેલા કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. જોકે, પેટાચૂંટણીમાં આ સીટ ભાજપના ફાળે ગઈ છે. આ બેઠક પર ૩ હજાર ૨૩૮ મતદારોએ મતદાન કર્યુ હતુ. જેમાંથી ૨ હજાર ૩૩૭ મત ભાજપને, કોંગ્રેસને ૮૬૧ અને ૪૦ નોટામાં મત પડયા હતા.
વંથલી તાલુકા પંચાયત
જુનાગઢમાં વંથલી તાલુકા પંચાયતની બેઠક પર ચૂંટણીમાં ૧૧૦૦ મતેથી ભાજપ ઉમેદાવારનો વિજય થયો છે. ભાજપના ઉમેગવાર લાખા ભાઇ ગરચર વિજેતા બન્યા છે.
વીરપુરમાં તાલુકા પંચાયત
વીરપુરમાં તાલુકામાં પંચાયતની ચૂંટણીમાં લીબરવાડા બેઠક પર ભગવો લહેરાયો છે. ભાજપ ઉમેદવાર વાલમસિંહ મોતીસિંહ પરમારની જીત, ૬૭૬ મતે વાલમસિંહ મોતીસિંહે જીત મેળવી છે.
સુબિર તાલુકા પેટા ચૂંટણી
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની પેટા ચૂંટણીના પરિણામમાં કડમાળ બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ છે. આ બેઠક પર છોટુભાઇ પુન્યાભાઇ કાગડે વિજેતા બન્યા છે.
કોડિનારમાં સુભાષ ડોડિયાની બિનહરિફ વરણી
કોડીનાર નગર પાલિકા ઉપ પ્રમુખ પદ માટે પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના સુભાષ ડોડીયાની બિન હરીફ વરણી થઈ છે. અમિત જેઠવા હત્યા કેસમા શિવા સોલંકીનું સભ્ય અને ઉપ પ્રમુખપદ રદ થતા યોજાયા પેટાચૂંટણી યોજાઈ હતી. સસ્પેન્ડેડ શિવા સોલંકીની જગ્યાએ પાલિકા ઉપપ્રમુખ માટે સુભાષ ડોડીયાની બિનહરીફ થઈ વરણી થઈ.
ગરબાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગરબાડા-૨ બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રજીતસિંહ રાઠોડનો ૨ હજાર ૪૫ મતે વિજય થયો છે. ત્યારે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.
તારાપુર તાલુકા પંચાયતની બે ખાલી પડેલ બેઠક પર ભાજપની જીત થઈ છે. તાલુકાપંચાયતની તારાપુર -૩ અને તારાપુર -૪ બેઠક ભાજપના ઉમેદવાર જીગ્નેશ રાઠોડ અને પૂનમભાઈ ચૌહાણની જીત થઈ છે. બંન્ને બેઠકો પરથી કુલ ૯ ઉમેદવારો મેદાનમાં હતા અને ભાજપ કોગ્રેસ વચ્ચે સીધો જંગ હતો.
લીંબરવાડા પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો
તો વીરપુર તાલુકા પંચાયતની લીંબરવાડા પેટા ચૂંટણીમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે. લીંબરવાડા બેઠક પર કોંગ્રેસના સુખાભાઈ પરમાર સામે ભાજપના વાલમભાઈ પરમારની ૪૦૦ મતથી જીત થઇ છે. ભાજપની જીતને લઈને કાર્યકરોએ ઢોલનગારા સાથે વિજય સરઘસ નીકળ્યું હતું.
વાંસદા તાલુકા પંચાયત
વર્ષોથી કોંગ્રેસ શાસિત વાંસદા તાલુકા પંચાયતમાં વર્ષો બાદ ભાજપની જીત થઈ છે. કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયતની સીટ આંચકી ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર ૯૪૭ મતે જીત્યા છે. જેથી ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી.
આ તાલુકા પંચાયત કોંગ્રેસ જાળવશે
સુરત જિલ્લાની મહુવા તાલુકા પંચાયતની ખરવન અને કોષ બે બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ખરવણ બેઠક પર ભાજપે ૨૬૮ મતે જીત મેળવી છે. તો કોષ બેઠક પર ભાજપના બાગી અને અપક્ષ ઉમેદવાર બાલુ પટેલનો ૭૧ મતે વિજય થયો છે. તાલુકા પંચાયતમાં ૨૦ બેઠક પેકી ૧૦ કોંગ્રેસ અને ૯ ભાજપ અને એક અપક્ષે કબ્જે કરી છે. અપક્ષ ઉમેદવારનું કોંગ્રેસને સમર્થન મળતા કોંગ્રેસ તાલુકા પંચાયત પર દબદબો જાળવી રાખશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



