અરવલ્લી જિલ્લાના કામદારોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

0
10

આગામી સમયમાં રાજયના બાકી તમામ તાલુકામાં કોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાશે
– કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

મોડાસા ખાતે આગામી તા.૧૯ નવેમ્બરથી લેબર કૉર્ટ કાર્યરત કરાશે

રાજ્યના તમામ કામદારોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં અલાયદી ઔદ્યોગિક અને મજૂર અદાલતો હોવાના પરિણામે પક્ષકારોના કેસો અલાયદી રીતે ઝડપી ચાલી શકે તે દિશામાં આગળ વધતાં રાજ્ય સરકાર દ્વારા નામ. ગુજરાત હાઇકૉર્ટના પરામર્શમાં આગામી તા.૧૯ નવેમ્બર-૨૦૧૮થી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દર મહિનાના ત્રીજા સોમવારથી એક અઠવાડિયા માટે લેબર કૉર્ટ કાર્યરત કરવામાં આવશે તેમ, રાજ્ય કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રાજ્ય કાયદા મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે મોડાસા ખાતે આ લેબર કોર્ટ ઉપલબ્ધ થતાં લિટિગન્ટ્સને ઘરઆંગણે સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે. તેમજ જે કામદારોને કામ કરતા શારિરીક ઈજા પહોંચી હોય, તેઓને વળતરમાટે દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે અને ઘર આંગણે તેઓને ઝડપી વળતર મળી શકશે. અગાઉ અરવલ્લી જિલ્લાના ભિલોડા, માલપુર, મેઘરજ, મોડાસા, ધનસુરા અને બાયડ તાલુકાના કામદારોને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સુધી ન્યાય મેળવવા જવું પડતું હતું જે આ કૉર્ટ કાર્યરત થવાના પરિણામે હવે કામદારોને ઘર આંગણે જ ન્યાય મળી રહેતાં તેમની મુસાફરીના સમયમાં અને નાણાકીય ખર્ચમાં બચત થશે તેમજ તેમની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. આ ઉપરાંત નવી અદાલત કાર્યરત થતા કોર્ટમાં જે કેસો પડતર છે તેના નિકાલમાં પણ ઝડપ આવશે.
રાજય સરકારે હાલમાં અમદાવાદ, ભાવનગર, નડિયાદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે એક એક-એમ કુલ ૮ જિલ્લાઓમાં ઔદ્યોગિક અદાલતોની સ્થાપના કરી છે. આ ઉપરાંત, રાજયના અમદાવાદ, અમરેલી, આણંદ, ભરુચ, ભાવનગર, કચ્છ-ભૂજ, દાહોદ, પંચમહાલ- ગોધરા, સાબરકાંઠા-હિંમતનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, ખેડા-નડિયાદ, નવસારી, બનાસકાંઠા-પાલનપુર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ અને પોરબંદર-એમ કુલ ૨૨ જિલ્લાઓમાં મજુર અદાલતો કાર્યરત છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને સમાન ન્યાયના મંત્રને વરેલી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં રાજ્યના તમામ ક્ષેત્રોનો નોંધપાત્ર વિકાસ થયો છે. ગુજરાત દેશભરમાં ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે અગ્રેસર છે જેના પરિણામે સ્વાભાવિક રીતે કામદારોના પ્રશ્નો પણ જોવા મળતા હોય છે. આ સંજોગોમાં કામદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક નિરાકરણ આવે અને રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક અને મજૂર અદાલતોની સ્થાપના કરવામાં આવી છે.
રાજ્યના વિકાસમાં ઉદ્યોગોનો પણ ખૂબ મોટો ફાળો છે. રાજ્યમાં ખૂબ મોટા પાયે ઉદ્યોગો કાર્યરત છે. ઔદ્યોગિક અને મજૂર કાયદાઓ અંતર્ગત ઉદ્યોગોના માલિકો તથા કામદારો વચ્ચે થતા વાદ વિવાદ તથા તેઓના હક-અધિકારના પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને આ રીતે તમામ વાદ વિવાદોનો વહેલી તકે યોગ્ય નિકાલ થાય તે માટે રાજ્યમાં ઔદ્યોગિક અને મજૂર અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. ઉદ્યોગો અને મજૂરોના પ્રશ્ન માટે જુદા સ્પેશ્યલ કાયદાઓ છે અને જ્યારે આ કાયદાઓ હેઠળની સમગ્ર કાર્યવાહી આ અદાલતોમાં ફરજ નિભાવતા અને ખાસ તાલીમબદ્ધ ન્યાયાધીશો દ્વારા હાથ ધરવામાં આવે છે ત્યારે આવા કેસોની કાર્યવાહીને પણ ઝડપ બને છે. જેના પરિણામે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ઉદ્યોગપતિઓ રાજ્યમાં આવી નવા ઉદ્યોગો સ્થાપી રહ્યા છે. જેથી નવી રોજગારીની તકો ઉભી થાય છે જેનો સીધો લાભ રાજ્યના યુવાનોને મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY