‘વિજય સંકલ્પ સંમેલન’ પહેલાં ભાજપા અગ્રણી સીસી શેઠના પુત્રની અટકાયત
હિંમતનગર,તા.૨૬
લોકસભાની ચુંટણીને લઈને સમગ્ર ભારતમાં પ્રચાર શરુ થઈ ગયો છે ત્યારે સાબરકાંઠા લોકસભાની બેઠક જીતવા માટે હિંમતનગરમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના ઉમેદવાર દિપસિંહ રાઠોડ સહિત જીલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
સીએમ રૂપાણીએ કહ્યું કે, ૫૫ વર્ષમાં કોંગ્રેસ ગરીબી હટાવી ન શકી તો અને હવે જુઠા વાયદા કરી રહ્યા છે, માત્ર વોટ મેળવવા માટે જુઠા વચનો આપી રહ્યા છે. ૭૨ હજારની વાત કરી એ જુઠુ જ બોલે છે નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ ગરીબો માટે કરી છે આ તો માત્ર જુઠુ જ બોલે છે ગરીબોના નામે માત્ર મતો જ લીધા છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯ને લઈને ગરીબો માટે મોટી જાહેરાત કરી હતી. ચૂંટણી વાયદા તરીકેની આ જાહેરાતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો યુપીએ સરકાર આવશે તો દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપીશું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે પરિવારની આવક મહિને ૧૨૦૦૦ રૂપિયાથી ઓછી છે તેમના ખાતામાં વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવશે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, આ પહેલાં જ સંમેલન સ્થળની નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર સીસી શેઠના પુત્ર સાથે ઘર્ષણ થયું હતું. પેટ્રોલ પંપમાં પાર્કિંગ મામલે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
જે બાદ પોલીસે સીસી શેઠના પુત્રની અટકાયત કરી હતી. જેના પગલે ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા. આટલું જ નહીં, પોલીસ અને ભાજપના અગ્રણીના પુત્ર વચ્ચે પણ ઘર્ષણ થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



