નરેન્દ્ર મોદીનો એક સૌથી મોટો લાભ એ પણ છે કે તેઓ રાહુલ ગાંધી નથી,તેઓ પોતાની જાતે ઉભા થયા
કોઝિકોડ,તા.૧૮
પ્રખ્યાત ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે મહેનતુ અને પોતાની મહેનતથી આગળ વધેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ‘પાંચમી પેઢીના શાસક’ રાહુલ ગાંધીનો ભારતીય રાજકારણમાં કોઈ જ ચાન્સ નથી. તેમણે કહ્યું કે કેરળની જનતાએ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ચૂંટીને ‘વિનાશકારી કાર્ય’ કર્યું છે. જો કેરળની જનતા ૨૦૨૪માં ફરીથી રાહુલ ગાંધીને ચૂંટશે તો તેનાથી ફરી એક વખત નરેન્દ્ર મોદી આગળ વધી જશે.
કોઝિકોડમાં યોજાયેલા કેરળ સાહિત્ય સમારંભમાં પ્રખ્યાત ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે, ‘તમે (મલયાલી) લોકોએ સાંસદ તરીકે રાહુલ ગાંધી પર પસંદગી કળશ કેમ ઢોળ્યો? હું અંગત રીતે રાહુલ ગાંધીનો વિરોધી નથી. તેઓ ખૂબ જ શિષ્ટ છે અને સભ્ય છે પરંતુ યુવાઓ ભારતની પાંચમી પેઢીના શાસકને પસંદ નથી કરતા. જો તમે લોકો ૨૦૨૪માં ફરીથી રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો તેનો ફાયદો ફક્ત નરેન્દ્ર મોદીને જ થશે કારણ કે, નરેન્દ્ર મોદીનો એક સૌથી મોટો લાભ એ પણ છે કે તેઓ રાહુલ ગાંધી નથી. તેઓ પોતાની જાત મહેનતથી નેતા બન્યા છે.
ગુહાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સ્વતંત્રતા આંદોલન દરમિયાન એક ‘મહાન પાર્ટી’ના પદ પરથી ‘દયનીય પારિવારિક ફર્મ’માં ફેરવાઈ ગઈ છે અને અહીં ભારતમાં હિન્દુત્વની પ્રાધાન્યતા અને કટ્ટર રાષ્ટ્રવાદનું એક કારણ છે. તેઓ રાષ્ટ્રવાદ અને કટ્ટર રાષ્ટ્રવાદના વિષય પર પોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા હતા. કેરળના લોકોની ભારે ભરખમ ભીડની વચ્ચે તેમણે કહ્યું કે, ‘કેરળ તમે ભારત માટે ઘણા બધા સારા કાર્યો કર્યા છે પરંતુ રાહુલ ગાંધીને સંસદમાં મોકલીને તમે ‘વિનાશકારી કાર્ય’ કર્યું છે.
રાહુલ ગાંધીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગાંધી પરિવારના ગઢ ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી હાર મળી હતી જ્યારે કેરળના વાયનાડથી તેમને જીત મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


