ખેરાલુ,તા.૫
ખેરાલુ વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં જયરાજસિંહને ટિકિટની અપેક્ષા હતી. જોકે, પાર્ટીએ તેમને બદલે બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે જેથી તેઓ નારાજ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું છે કે, ‘વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી થાક્યો છું. વિરામની જરૂર લાગે છે. જય માતાજી.’
જયરાજસિંહ પરમાર સાથે આ અંગે તેમના વિચારો જાણવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગે તેમણે કહ્યું, ‘હું ૧૮ વર્ષનો હતો ત્યારથી કૉંગ્રેસનાં પડદા અને પોસ્ટર લગાવવાનું કામ કરવાનું ચાલુ કર્યું હતું. મારો પરિવાર ત્રણ પેઢીથી કૉંગ્રેસમાં જોડાયેલો છે. મારા લોહીમાં કૉંગ્રેસ છે, મારા મનમાં કૉંગ્રેસ સિવાય કોઇ વાત નથી કરી. જે વિસ્તારમાંથી મેં ટિકિટ માંગી હતી, મારી નારાજગીમાં માત્ર મારી ટિકિટ માટે નથી પરંતુ કોંગ્રેસમાં જે જાતિવાદ ચાલે છે તેનાથી પણ છે. સારા લોકોનું કામ કૉંગ્રેસમાં છે કે કેમ તે પ્રશ્ન છે. આમા મારી વ્યક્તિગત વાત જ નથી, પરંતુ હવે કોઇકે તો બોલવું જ પડશે. હું કંટાળ્યો છું, થાકી ગયો છું જો આવું જ કરવાનું હોય તો જાહેર જીવનમાં રહેવાનો કઇ મતલબ નથી.’
કૉંગ્રેસનાં આગેવાનો પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ‘મારા પક્ષનાં કોઇપણ મોટા નેતાએ મને ક્યારેય ફોન નથી કર્યો કે તમારે શું તકલીફ છે. આ બાબતે નહીં પરંતુ કોઇપણ બાબતમાં મારો સંપર્ક નથી કર્યો. નેતાઓ એકબીજાનાં સંપર્કમાં જ નથી.’
તેમણે વ્યથા ઠાલવતા કહ્યું કે, ‘મારો કૉંગ્રેસનાં આગેવાનો સામે વાંધો છે, કે હું કોઇ એક કોમનો વ્યક્તિ નથી મેં બધી જ કોમનાં લોકો માટે કામ કર્યું છે. મને ટિકિટ નથી મળી તે કારણે નારાજગી છે. ૨૦૦૭, ૨૦૧૨માં મેં ટિકિટનું કહ્યું હતું ત્યારે મને નજર અંદાજ કર્યો હતો પરંતુ મેં શિસ્તબધ્ધ સૈનિકની રીતે કામ કર્યું છે. ૨૦૧૭માં પણ મને ટિકિટ ન મળી ત્યારે પણ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાર્ટી માટે મેં કામ કર્યું છે. ફક્તને ફક્ત ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય હવે તેવી રાજનીતિ નથી કરવી.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



