લંડન,તા.૨૪
ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે ૨૭ જૂનનાં રોજ માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ ૨૦૧૯ની ૩૪મી મેચ રમાશે. આ પહેલા બીસીસીઆઈએ આરસીબીનાં ઝડપી બૉલર નવદીપ સૈનીને ઇંગ્લેન્ડ બોલાવી લીધો છે જે ટીમ ઇન્ડિયાને પ્રેક્ટિસ કરાવશે. નવદીપ સૈની સોમવારનાં રોજ માન્ચેસ્ટર પહોંચી ગયો છે, જે ટીમ ઇન્ડિયા સાથે નેટ્સમાં પરસેવો પાડી રહ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર માટે આઈપીએલ ૨૦૧૯ રમનારો આ ઝડપી બૉલર ટીમ ઇન્ડિયાનાં ઉભરતા ખેલાડીઓમાંથી એક છે, જે આગળ જઇને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે છાપ છોડી શકે છે.
બીસીસીઆઈનાં જણાવ્યા પ્રમાણે નવદીપ સૈની એકમાત્ર બૉલર છે જે ટીમ ઇન્ડિયા સાથે રહેશે અને પ્રેક્ટિસ કરાવશે. દીપક ચહર અને આવેશ ખાન જૂનનાં પહેલા અઠવાડિયામાં ભારત પરત ફરી ચુક્યા છે. તો ખલીલ અહમદ હજુપણ ટીમ સાથે હતો, પરંતુ તે અત્યારે ભારત આવી ગયો છે. આવામાં ટીમ પાસે કોઈ નેટ બૉલર નહોતો.
નવદીપ સૈનીને ભુવનેશ્વર કુમારનાં રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ભુવીને હેમસ્ટ્રિંગની ઇજા થઈ છે. પાકિસ્તાન સામે ફક્ત ૨ ઑવર ફેંક્યા બાદ ભુવનેશ્વરને ઇજા થઈ હતી અને તે અફઘાનિસ્તાન સામે પણ રમ્યો નહોતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



