મુંબઇ/ન્યુ દિલ્હી,તા.૧૯
કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલ, એકે એન્ટની અને મલ્લિકાર્જુન ખડગે સાથે મહારાષ્ટ્રમાં સરકારની સંભવિત રચના અંગે ચાલી રહેલી વાતચીતના મામલે બેઠક યોજી હતી. આ એ નેતાઓ છે જે સરકારની રચના અંગે સતત એનસીપી સાથે સંપર્કમાં છે અને નવી સરકારના ગઠનને આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ગઇકાલે સોમવારે સાંજે આ મુદ્દે એનસીપીના પ્રમુખ શરદ પવાર સોનિયાને મળ્યા હતા.
સૂત્રોએ જો કે જણાવ્યું કે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ વચ્ચેની દિલ્હી ખાતેની બેઠક આજે મુલતવી રાખવામાં આવી છે. એનસીપી નેતાઓએ કહ્યું કે આજે કોંગ્રેસના ઘણા નેતાઓ સ્વ. ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, તેથી જે બેઠક આજે યોજાવાની હતી તે હવે આવતીકાલે બુધવારે યોજાશે. શરદ પવાર અને સોનિયા ગાંધીની બેઠકમાં થયેલી વાતને અજિત પવાર, જયંત પાટિલ, પ્રફુલ પટેલ સહિત એનસીપીના અન્ય નેતાઓ કોંગ્રેસના અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ અને બાળાસાહેબ થોરાતને મળીને રાજ્યમાં સરકારની રચના અંગે નેતાઓ વચ્ચે ચર્ચા થશે. તેઓ નક્કર આકાર અને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે.
જ્યારે, શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે અમને છેતર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં શિવસેના સરકાર બનાવશે તે નિશ્ચિત છે. શરદ પવાર અંગે તેમણે કહ્યું કે શરદ પવારને સમજવામાં ઘણા જન્મ લાગશે. તેમણે કહ્યું કે પવાર સાહેબ રાજકિય રીતે અનુભવી અને પરિપક્વ છે, વડા પ્રધાન તેમની પ્રશંસા કરી શકે છે. રાઉતે કહ્યું કે અમે ખેડૂતોના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીશું, આ બેઠકનું નેતૃત્વ શરદ પવાર જ કરશે. સંજય રાઉતે કહ્યું કે મને શરદ પવાર પર કોઈ શંકા નથી, અમે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સરકાર બનાવીશું.
રાઉતે ફરી એકવાર એક ટ્વીટ સાથે દિવસની શરૂઆત કરી હતી. મંગળવારે તેમણે લખ્યું કે *જો જીવનમાં કંઈક મેળવવાનું છે, તો માર્ગ બદલો, હેતુ નહીં. જય મહારાષ્ટ્ર!*
શિવસેનાનું શું થશે? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે શિવસેના સતત આશા રાખે છે કે ટૂંક સમયમાં રાજ્યમાં સરકાર રચાશે અને મુખ્ય પ્રધાન તેમનો જ રહેશે. એનસીપી અને કોંગ્રેસ સાથે હજી વાટાઘાટો ચાલી રહી છે. શરદ પવાર સોનિયા ગાંધીને મળ્યા બાદ શિવસેનાના સંજય રાઉત પણ તેમને મળવા આવ્યા હતા, રાઉતે બેઠક બાદ કહ્યું હતું કે તમામ પક્ષો ઈચ્છે છે કે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસનનો અંત આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


