પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૦ વિકેટથી હરાવ્યું

0
61

વોર્નર-ફિંચે ફટકારી સદી,ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન,ધવન સિવાય એક પણ બેટ્સમેને અર્ધીસદી ન ફટકારી શક્યા
મુંબઇ,તા.૧૫
ટીમ ઇન્ડિયાનો મંગળવારે અહીં વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ વન-ડેમાં જે પરાજય થયો એ વન-ડે ક્રિકેટના ભારતના ઇતિહાસમાં સૌથી નામોશીભર્યા પરાજયોમાં અચૂક ગણાશે. વિરાટસેનાના ૨૫૫ રનના જવાબમાં ઍરોન ફિન્ચ ઍન્ડ કંપનીએ ૩૭.૪ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૨૫૮ રન બનાવીને શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી.
તાજેતરમાં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામે સિરીઝ જીતનાર ભારતીય ટીમે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયા ટેકવવા પડયા હતા. ઘરઆંગણે શ્રેણીની પહેલી જ મૅચમાં ૧૦ વિકેટે પરાજય થવો એ વન-ડેના વર્લ્ડ નંબર-ટૂ ભારત માટે મોટી નાલેશી કહેવાય. ચોથી રૅક્ન ધરાવતી ઑસ્ટ્રેલિયન ટીમના ઓપનરો ડેવિડ વૉર્નરે (૧૨૮ અણનમ, ૧૧૨ બૉલ, ત્રણ સિક્સર, સત્તર ફોર) ૧૮મી અને કૅપ્ટન ઍરોન ફિન્ચે (૧૧૦ અણનમ, ૧૧૪ બૉલ, બે સિક્સર, તેર ફોર) ૧૬મી વન-ડે સદી ફટકારી હતી અને ૭૪ બૉલ બાકી રાખીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી. તેમની વચ્ચેની ૨૫૮ રનની અતૂટ ભાગીદારી વન-ડેમાં ભારત સામેની તમામ ભાગીદારીઓમાં હાઇએસ્ટ હતી. તેમણે પોતાના જ દેશના જ્યોર્જ બેઇલી તથા સ્ટીવ સ્મિથ વચ્ચેની ૨૦૧૬ની સાલની ભારત સામેની ૨૪૨ રનની ત્રીજી વિકેટ માટેની ભાગીદારીનો વિક્રમ તોડયો હતો.
ભારતના પાંચમાંથી એકેય બોલરને એક પણ વિકેટ નહોતી મળી. વન-ડેનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ (૭-૦-૫૦-૦) પણ એકેય શિકાર નહોતો કરી શક્યો. ડેવિડ વૉર્નરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ભારતનું બોલિંગ-આક્રમણ જોઈએ એવું અસરદાર નહોતું અને બીજી તરફ ઑસ્ટ્રેલિયાની બૅટિંગ-તાકાત ગજબની હતી. એ સંજોગોમાં તેમને ૩૫૦ કરતાં ઓછો લક્ષ્યાંક આપવામાં ભારતનું હિત હતું જ નહીં. ભારતની ઇનિંગ્સમાં શિખર ધવન અને કે. એલ. રાહુલ વચ્ચેની ૧૨૧ રનની જે ભાગીદારી થઈ હતી એવી તો નહીં, પણ બીજી બે હાફ સેન્ચુરીની ભાગીદારી થઈ હોત તો જ ભારતીયો કાંગારુંઓને ૩૦૦-પ્લસનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શક્યા હોત. એના બદલે ૨૫૬ રનનો લક્ષ્યાંક પ્રવાસીઓની પ્રબળ ટીમ માટે સાવ સામાન્ય બની ગયો હતો. વૉર્નર અને ફિન્ચે મળીને કુલ ૩૦ ફોર તથા પાંચ સિક્સર ફટકારી હતી.
એ પહેલાં, ભારત ૫૦મી ઓવરમાં ૨૫૫મા રન પર ઑલઆઉટ થયું હતું. શિખર ધવન (૭૪ રન, ૯૧ બૉલ, એક સિક્સર, નવ ફોર) તથા કે. એલ. રાહુલ (૪૭ રન, ૬૧ બૉલ, ચાર ફોર) વચ્ચે ૧૨૧ રનની ભાગીદારી થઈ હતી, પરંતુ તેમની એ ધીમી ગતિએ બનેલી પાર્ટનરશિપ ભારતને મોંઘી પડી હતી. ધવન ઉપરાંત બીજો કોઈ પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો.
ત્રણ મૅચવાળી સિરીઝની બીજી વન-ડે શુક્રવાર, ૧૭મી જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. જો ભારત એ મૅચ જીતશે તો રવિવાર, ૧૯મીની બેંગલુરુની મૅચ નિર્ણાયક બનશે. જોકે, રાજકોટમાં પણ ભારતનો પરાજય થશે તો બેંગલુરુમાં વિરાટસેનાએ વ્હાઇટવૉશથી બચવું પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY