નડીયાદ,તા.૨૪
લોકસેવાર્થે પોતાનો જીવ આપી દેનાર પોલીસ જવાનોની યાદમાં ખેડા જિલ્લામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૫માં આવેલા પૂરમાં પોતાનો જીવ આપીને લોકોને બચાવી લેનાર પોલીસ કર્મચારીઓના પરિવારજનોનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કપડવંજની શાળામાં શહીદ સ્મારક બનાવીને શહીદોને શબ્દાંજલી અર્પણ કરવામાં આવી હતી.
તા. ૧ જુલાઇ ૨૦૦૫ના રોજ નદીમાં આવેલા પૂરમાં ફસાયેલા લોકોને કઠલાલ પોલીસ મથકના તત્કાલીન પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે.ચાવડા તથા અ.પો.કો. પ્રતાપસિંહ ડાહ્યાભાઇ ડાભી તથા અ.હે.કો. ઓતાભાઇ મંગળભાઇ પરમાર તથા ડ્રા.હે.કો.રામસિંહ શંકરભાઇ ડાભી બચાવ કાર્ય દરમિયાન શહીદ થયા હતા. જે પૈકી અ.પો.કો. પ્રતાપસિંહ ડાહ્યાભાઇ ડાભી (રહે.જગડુપુર, તા. કપડવંજ)એ ધોરણ ૮થી ૧૦ સુધી શેઠ એમ.પી.મ્યુનિ. હાઇસ્કુલ કપડવંજ ખાતે અભ્યાસ કર્યો હોવાથી આ સ્કુલમાં નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝનમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ખેડા હેડ ક્વાર્ટરની ટીમ દ્વારા શોકસલામી આપવામાં આવી હતી. શહીદના પરિવારજનોનું શાલ તથા સન્માન પત્ર આપીને પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શહીદ સ્મારકનો ઉદ્દેશ બાળકોમાં શહીદો પ્રત્યે આદર અને દેશ પ્રત્યે રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવો હોવાનું પોલીસ અધિક્ષકે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



