નડિયાદ,તા.૧૦
ઉતરાયણના પર્વ બાદ નકામી દોરીઓ ઝાડ, મકાન, રોડ અને વાયરો ઉપર ભરાયેલી રહે છે. જેમાં પક્ષીઓ ફસાઇ જવાને કારણે ઇજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મૃત્યુ પામતા હોય છે. આ પ્રમાણને ઘટાડવા માટે જિલ્લા તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં તા.૧૫થી ૨૦મી સુધી નકામી દોરીઓ ભેગી કરીને કલેકશન સેન્ટર પર જમા કરાવનારને પુરસ્કાર આપવામાં આવશે. એક કિલો દોરી પેટે રૂ.૧૦૦ આપવામાં આવશે. પાંચ દિવસ સુધી આ સેન્ટરો પર નકામી દોરી એકત્રિત કરવામાં આવશે.
આ અંગેની વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન-ર૦ર૦ તા. ૧૦-૧-ર૦ર૦થી તા. ર૦-૦૧-ર૦ર૦ સુધીનું આયોજન કરાયું છે. જિલ્લાના વન અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અભિયાન અન્વયે જુદા જુદા સરકારી વિભાગો, એન.જી.ઓ., સ્વયંમ સેવી સંસ્થાઓ, ઉત્સુક યુવાનો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા ઘાયલ થયેલ પક્ષીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે કંટ્રોલ રૂમો ઉભા કરાયા છે.
કરૂણા અભિયાન દરમિયાન પતંગોના કારણે જે પક્ષીઓ ઘાયલ થાય છે તેઓને તાત્કાલિક સારવાર મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખાસ આયોજન કરાયું છે. આ આયોજન અન્વયે જિલ્લામાં ૧૮ વેટરનીટી હોસ્પિટલોમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરાશે. નડિયાદમાં ડુમરાલ ખાતે ખાસ બેઝ હોસ્પિટલની કામગીરી કરવામાં આવનાર છે. ૧૦ જેટલા ખાસ વાહનોની પણ ફાળવણી કરાઇ છે. ઘાયલ પક્ષીઓની જાણકારી માટે ૧૯૬ર ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



