ખુદ શિક્ષણાધિકારીની કચેરીનો અમુક સ્ટાફ સમયનું પાલન નથી કરતો તેવી બૂમો છે ત્યારે માત્ર શિક્ષકો પરજ નિયમો કેમ લાગુ કરાય છે…?
પ્રાથમિક શિક્ષણના મોનીટરીંગ સાથે શાળામાં શિક્ષકોની હાજરી સુનિશ્વિત કરવા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમનાં હસ્તે ePAN મોબાઇલ એપનું કરાયેલું લોન્ચીંગ
મહાત્વાકાંક્ષી (એસ્પિરેશનલ) જિલ્લા સંદર્ભે શિક્ષણની ગુણવત્તા સુધારણા અંતર્ગત સમગ્ર દેશ અને રાજ્યમાં નર્મદા જિલ્લાની નવતર પહેલ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનાં મોનીટરીંગની સાથે શિક્ષકોની હાજરી સુનિશ્વિત કરવાનાં હેતુથી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમનાં હસ્તે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ નર્મદા જિલ્લામાં ePAN ( ઇ-પ્રાયમરી એજ્યુકેશન નર્મદા) એપ તાજેતરમાં લોન્ચ કરીને નવતર પહેલ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશભરમાંથી ૧૧૫ જેટલા જિલ્લાઓને ઘોષિત કરાયેલા મહાત્વાકાંક્ષી (એસ્પિરેશનલ) જિલ્લામાં સમાવિષ્ટ નર્મદા જિલ્લામાં પણ કેન્દ્રિય નીતિ આયોગનાં પેરામીટર મુજબ શિક્ષણનું સ્તર સુધારવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા જુદા જુદા પ્રયાસો પૈકી સૌથી મહત્વનો ePAN મોબાઇલ એપનો નવતર પ્રયોગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારીઆ દ્વારા હાથ ધરાયો છે. આ મોબાઇલ એપથી જે તે શાળમાં થતી પ્રવૃત્તિઓની માહિતી જિલ્લાકક્ષા સુધી પહોંચાડવામાં અને જિલ્લામાંથી DPEO કક્ષાએથી અપાતી સુચનાઓ હવે ખુબ જ સરળતાથી પહોંચી શકશે. જેને કારણે શૈક્ષણિક અને વહિવટી કામગીરી સંદર્ભની અનેકવિધ સમસ્યાઓનું નિરાકરણ આવતાં તેની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.
આ મોબાઇલ એપમાં તમામ મુખ્ય શિક્ષકોએ પોતાની શાળાના લોકેશન પરથી (શાળા કાર્યાલયમાં બેસીને) પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી લોગ-ઇન થઇ મુખ્ય શિક્ષકઓએ પોતાની સાથે શાળાના તમામ શિક્ષકોનું રજીસ્ટ્રેશન કરી રોજે રોજ શાળાના લોકેશન પરથી શિક્ષકોની હાજરી ઓનલાઇન આપે છે. શિક્ષક રજા (કોઇ પણ રજા) પર હોય તો ઓન લીવ અને જો અન્ય સરકારી કામગીરી અર્થે શાળા બહાર હોય તો ઓન ડ્યુટીનો વિકલ્પ ઉપલબ્ધ છે તેમજ શાળામાં થયેલ નોંધપાત્ર પ્રવૃત્તિઓની વિગતો / ઉદાહરણરૂપ કામગીરી અને ખૂબ જ ઉપયોગી knowledge corner વિભાગમાં આપી શકાય છે. આ મોબાઇલ એપમાં ઓફિસ ડેસ્કના મેનૂમાં જિલ્લા કચેરી દ્વારા મોકલેલ સૂચનાઓ જોઇ શકાય છે. ડાઉનલોડ મેનૂમાંથી સરકારી પરિપત્રો / ઠરાવો/ ફોર્મ્સ વગેરેની નકલો ઉપયોગ અર્થે કાઢી શકાય છે. DPEO DESK માં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, નર્મદા દ્વારા અપાતાં સંદેશા જોઇ શાય છે. આ મોબાઇલ એપથી પોતાનાં પ્રતિભાવો/સૂચનો/સંદેશો/માહિતી Feedback menu મારફત આપી શકાય છે તેમજ ePAN ના અપડેટેડ વર્ઝન દ્વારા અંતરિયાળ વિસ્તાર કે જ્યાં મોબાઇલ કવરેજની સમસ્યા છે, ત્યાંની શાળા દ્વારા પણ ઓફલાઇન મોડનો ઉપયોગ કરી શિક્ષકોની હાજરી મોકલવામાં આવે છે.
આમ, આ ePAN મોબાઇલ એપને લીધે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ સમયસર ખૂલવાની બાબત સાથે જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં મોબાઇલ કવરેજ વિના અને મર્યાદિત વાહન વ્યવહારની ઉપલબ્ધિ વચ્ચે પણ નિરીક્ષણ કરવાનું ePAN મોબાઇલ એપથી શક્ય બન્યું છે. ePAN દ્વારા શાળાનાં લોકેશનથી હાજરી આપવાની હોવાથી શિક્ષકોની શાળામાં હાજરી સમય સાથે સુનિશ્વિત કરી શકાય છે. શાળાનાં મુખ્ય શિક્ષકનાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા સ્કુલ લોગ-ઇન થાય છે, જેથી અન્ય કોઇપણ વિગતોની જરૂરિયાત ન હોવાથી મોબાઇલ એપ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આમ જિલ્લામાં, શિક્ષણની ગુણવત્તા સુધારણા કાર્યક્રમ સાથે આ મોબાઇલ એપને જોડવા માટેની કામગીરીનાં પ્રયાસો હાથ ધરાયેલ છે. ePAN મોબાઇલ એપ GEO લોકેશન આધારિત કામ કરતી હોવાથી હાજરી શાળા પરિસરમાં રહીને જ આપી શકાય છે, જેથી શિક્ષકોની હાજરી શાળામાં જ સુનિશ્વિત કરી શકાય છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



