ન્યુ દિલ્હી,તા.૫
સરકારી પ્રસારણકર્તા પ્રસાર ભારતીએ ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ની રાષ્ટ્રીય ચેનલના ૩૧ વર્ષના સફર પર બ્રેક લગાવી દેવાનો નિર્ણય કર્યો છે. ખર્ચમાં કાપ મુકવાના હેતુથી રાષ્ટ્રીય ચેનલ બંધ કરવાની સાથે લખનઉ સહિત પાંચ શહેરોમાં પ્રાદેશિક તાલીમ એકેડમીને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
ઓલ ઈન્ડિયા રેડિયોના મહાનિર્દેશક તરફથી ગુરુવારે આદેશ જારી કરતા કહેવામાં આવ્યું હતું કે, પ્રસાર ભારતી તરફથી ૨૪ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ મોકલેલા એક પત્ર અનુસાર રાષ્ટ્રીય ચેનલ ઉપરાંત લખનઉ, અમદાવાદ, હૈદરાબાદ, શિલાંગ અને તિરુવનંતપુરમની પ્રાદેશિક તાલીમ એકેડમી (RABM) ને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર)ના મહાનિદેશકે એક આદેશમાં કહ્યું કે ટોડાપુર અને નાગપુર વગેરેમાં રાષ્ટ્રીય ચેનલમાં કામ કરી રહેલા કર્મચારીઓ સિવાય આરએબીએમમાં કામ કરનારા કર્મચારીની ભરતી સંગઠનની જરૂરિયાત મુજબ કરી શકાય છે. જાકે, એઆઈઆરનો એક વર્ગ આ નિર્ણયથી નારાજ છે. તેમનું માનવું છે કે રાષ્ટ્રીય ચેનલ પ્રસારણનો મહત્વનો ભાગ છે અને તેને એક સાથે બંધ કરવાના બદલે ખર્ચમાં કાપના અન્ય વિકલ્પો શોધવાની જરૂર હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં રેડિયો પ્રસારણનો પહેલો કાર્યક્રમ ૧૯૨૩માં રેડિયો ક્લબ ઓફ મુંબઈ દ્વારા કરાયો હતો. ત્યાર બાદ ૧૯૨૭માં પ્રસારણ સેવાની રચના થઈ. ૧૯૩૬ માં તેને ઓલ ઈન્ડિયા રેડિયોનું નામ અપાયું. આજે તેના ૨૦૦થી વધુ કેન્દ્ર છે. ઓલ ઈન્ડિયા રેડિયો તેની પ્રાથમિક ચેનલ સાથે જાહેરાત પ્રસારણ સેવા વિવિધ ભારતી, એફએમ ચેનલ અને વિદેશ પ્રસારણ ચેનલ પણ ચલાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


