ઝારખંડમાં ભાજપની હાર : રાજ્યસભામાં ભાજપની એક પણ બેઠક નહિ હોય

0
1

ન્યુ દિલ્હી,તા.૨૪
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મેળવેલા ઘોર પરાજયનાં દૂરગામી પરિણામો સર્જાઇ શકે છે એવું રાજકીય પંડિતો માને છે. સોમવારે સાંજ સુધીમાં ઝારખંડની વિધાનસભાનાં તમામ પરિણામો આવી ગયાં હતાં. એ પરિણામો પર નજર કરતાં ખ્યાલ આવશે કે ભાજપે સૌથી મોટા પક્ષનું સ્થાન પણ ગુમાવી દીધું હતું.
ભાજપે ૮૧માંથી ફક્ત ૨૫ બેઠકો મેળવી હતી જ્યારે અગાઉ મુખ્ય વિરોધ પક્ષ રહેલા ઝારખંડ મુક્તિ મોરચાએ ૩૦ બેઠકો મેળવી. કોંગ્રેસને ૧૬ અને લાલુ યાદવના રાજદને એક બેઠક મળી. આમ ભાજપ હવે અહીં સૌથી મોટો પક્ષ રહ્યો નથી. એની દૂરગામી અસર જોવા જેવી છે.
આ દૂરગામી અસર એટલે રાજ્યસભામાં ભાજપની ઘટી જનારી વગ. રાજકીય પંડિતો માને છે કે ૨૦૨૪માં થનારી લોકસભાની ચૂંટણી વખતે ઝારખંડની રાજ્યસભાની બેઠકોમાં ભાજપ પાસે એક પણ બેઠક નહીં હોય. એક અભિપ્રાય મુજબ ઝારખંડ વિકાસ મોરચો ભાજપને સાથ આપે તો કદાચ રાજ્યસભામાં ભાજપની લાજ રહી જાય. તાજેતરની વિધાનસભા ચૂંટણી વખતે ઝારખંડ વિકાસ મોરચો અને ભાજપ સામસામે હતા.
અત્રે એ યાદ રહે કે ઝારખંડ વિકાસ મોરચાના બાબુલાસ મરાંડીએ સોમવારે કહ્યું હતું કે ૨૦૧૪માં અમારા પક્ષના સભ્યોને તોડીને ભાજપે સરકાર બનાવી હતી. આ વખતે મતદારોએ ભાજપને એ પાપનો જવાબ આપ્યો છે.
અત્યારે રાજ્યસભામાં ભાજપ પાસે બહુમત નથી પરંતુ પોતાનાં અન્ય ઘટક પક્ષોની મદદથી એ ૩૭૦મી કલમ અને નાગરિકતા સુધારા કાયદા જેવાં પગલાં લઇ શક્યો. પરંતુ ઝારખંડ વિકાસ મોરચા જેવા નાનકડા પક્ષો ખસી જાય તો રાજ્યસભામાં ભાજપને ભારે પડી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY