પોરબંદર,તા.૨૪
પોરબંદરના બરડા પંથકમાં કોઈ અજાણ્યા શિકારીઓ અમાનવીય કૃત્ય આચરીને “લાડૂ બોમ્બ” ગોઠવીને મુકતા હોવાથી અબોલ પશુઓના મોત થતાં હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
વિગત એવી છે કે પોરબંદરના બરડા પંથકમાં હજારો એકરમાં પથરાયેલ જંગલ જેવી જમીનમાં પશુપાલકો ઘેટાં, બકરા, ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ ચરાવે છે. ઉપરાંત બાવળની ઝાડીઓ તેમજ ચરિયાણ ઘાસ હોવાથી નીલગાય અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓ પણ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.
પરિણામે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અમુક શિકારીઓ આવીને અવનવી રીતે પશુઓનો શિકાર કરવા લાગ્યા છે. જેમાં સૌથી ક્રૂર રીતે એટલે કે લાડવામાં કોઈ વિસ્ફોટક પદાર્થ મૂકીને ઠેરઠેર ગોઠવવામાં આવે છે. આ રીતે અબોલ પશુઓ આ લાડવા ખાવા માટે લલચાય છે અને જેવો લાડુ મોઢામાં મૂકીને ચાવે ત્યાં જ ધડાકો થાય છે. પરિણામે પશુઓના મોત થઈ રહ્યાની ઘટનાઓ સામે આવી છે.
જેમાં બરડા પંથકમાં આવો લાડુ ખાવાથી ગંભીર રીતે ઘવાયેલી એક ભેંસ કણસતી હાલતમાં મળી આવતા માલધારીઓએ સારવાર શરૂ કરી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં લાડુ-બોમ્બથી મૃત્યુ પામેલા નીલગાય અને ભુડના મૃતદેહો પણ મળી આવ્યાનું ગ્રામીણ લોકોનું કહેવું છે અને આ રીતની ક્રૂર શિકારી પ્રવૃત્તિ અટકાવવા માગણી ઉઠી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



