ઇસ્લામાબાદ,તા.૨૬
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. શાકભાજી બાદ હવે દાળના ભાવ પણ સાતમા આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીના કારણે સામાન્ય માનવીની કમર તૂટી ગઇ છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ અનુસાર મગ સહિત અનેક દાળના ભાવ અત્યાર સુધીમાં સૌથી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
દાળના ભાવ પ્રતિકિલો રૂ.૨૫૦ને વટાવી ગયા છે. રિટેલ માર્કેટમાં મગનો ભાવ પ્રતિકિલો રૂ.૨૨૦થી ૨૬૦ ચાલી રહ્યો છે. ચણાનો ભાવ પ્રતિકિલો રૂ.૧૬૦ છે. આ ઉપરાંત ખાંડનો ભાવ પ્રતિકિલો રૂ.૭૫ને વટાવી ગયો છે.
પાકિસ્તાનના બ્યૂરો ઓફ સ્ટેટસ્ટિક્સના જણાવ્યા અનુસાર મોંઘવારીનો દર વિક્રમી સ્તરે પહોંચી ગયો છે. ગ્રાહક મોંઘવારી દર વધીને ૧૨.૭ ટકા થઇ ગયો છે, જે નવ વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે.
પાકિસ્તાનના મોટા જથ્થાબંધ બજાર ડાંડિયા બજારના વેપારીએ જણાવ્યું હતું કે એક મહિના અગાઉ દાળનો ભાવ પ્રતિકિલો રૂ.૧૭૦થી ૧૮૫ હતો તે વધીને ડિસેમ્બરમાં પ્રતિકિલો રૂ.૨૧૦થી ૨૨૫ પર પહોંચી ગયો છે.
વેપારીનું કહેવું છે કે પંજાબ પ્રાંતમાં ૪૦ કિલો દાળની કિંમત રૂ.૬૮૦૦થી વધીને સર્વાધિક સપાટી રૂ.૭૫૦૦ પર પહોંચી ગઇ છે. દાળની કિંમત વધવાનું મુખ્ય કારણ સંગ્રહખોરી હોવાનું મનાય છે. તાજેતરમાં પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ પ્રતિકિલો રૂ.૪૨૫ પર પહોંચી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



