સુરત,તા.૮
મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરની સામે એક ચાલુ રિક્ષામાંથી બે બાઈક સવારોએ પર્સની ચીલઝડપ કરી ભાગી ગયા હતા. મજૂરા ગેટ વિસ્તારમાં હસમુખભાઈ સંઘવી પરિવાર સાથે રહે છે અને હીરાની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની મોટી દીકરી પ્રેક્સાના આગામી ૧૯મીના રોજ લગ્ન છે. જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને મુંબઈ ખાતે થોડી ખરીદી કરવા જવાના હતા. જેથી પ્રેક્સા ભાઈ મનન અને નાની બહેન દ્રષ્ટી સાથે આજે સવારે મજૂરા ગેટથી રેલવે સ્ટેશન જવા રિક્ષામાં નીકળ્યા હતા. દરમિયાન મજૂરા ગેટથી ૧૦૦ મીટરના અંતરે આવેલા વિશ્વકર્મા મંદિર સામે જ બાઈક સવાર બે ઈસમો ધસી આવ્યા હતા. જેમણે મોઢા પર માસ્ક પહેર્યું હતું. જે પૈકી પાછળ બેસેલા ઈસમે ચાલુ રિક્ષામાં હાથ નાખી વચ્ચે બેસેલી પ્રેક્સાના પગ પાસે મૂકેલી બેગની ઉપર રહેલા પર્સને છીનવી લીધું હતું. ત્યારબાદ નિર્મળ ચોકડીથી સોસિયો સર્કલ તરફ જવા રસ્તા પર ભાગ્યા હતા.
પર્સ છીનવીને ભાગતા બાઈક સવારને પકડવા માટે રિક્ષામાં પીછો કર્યો હતો અને મનને બૂમાબૂમ કરી હતી. જોકે, રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી હતી. જેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી ચારેયને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. મનને જણાવ્યું હતું કે, પર્સમાં રોકડા રૂપિયા, મોબાઈલ સહિતનો કિંમતી સામાન હતો. પર્સની જ લૂંટ થઈ જવાના કારણે મુંબઈ ખરીદી કરવા જવાનું માંડી વાળ્યું હતું. મને માથા, બરડો સહિતના ભાગમાં ઈજા પહોંચી છે. દ્રષ્ટીના હાથની આંગળીઓમાં ઈજા પહોંચી છે. જ્યારે પ્રેક્સાને મુંઢ માર વાગ્યો છે. હાલ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જોકે, સવારના સમયે જ સિટીજન સુરક્ષિત ન હોવાને લઈને રોષ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



